GIDCના બંધ ગોડાઉનમાંથી 900 વિદેશી દારૂની પેટીઓ મળી આવી
દારૂબંધી માત્ર કાગળ પરઃ દરરોજ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના નિયમોની વચ્ચે હાલોલની મસવાડ જીઆઇડીસીના બંધ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો. મસવાડ જીઆઇડીસીના એક બંધ ગોડાઉનમાંથી અંદાજે ૯૦૦ જેટલી વિદેશી દારૂની પેટીઓ સાથે ત્રણ રાજસ્થાનના આરોપીઓને રૂરલ પોલીસે ઝડપી પાડતા સમગ્ર હાલોલ પંથકમાં ચકચાર પ્રસરી જવા પામ્યો છે.
હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ.જાડેજા સહિત તેઓની ટીમે આજે હાલોલ તાલુકાના મસવાડ ખાતે આવેલી જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો ખાતે આવેલ એક ઔદ્યોગિક એકમના બંધ ગોડાઉનમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો
જેમાં રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજાને આજેરોજ સવારના સુમારે ખાનગી બાતમીદાર આધારે હાલોલ તાલુકાના મસવાડ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમ વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમોના પૈકીના એક બંધ ગોડાઉનમાં એક કન્ટેનરમાંથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ જાડેજા પોતાની ટીમ સાથે આજરોજ બાતમીવાડી જગ્યાએ પહોંચ્યા હતા.
જ્યાં જઈને જોતા એક કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ગોડાઉનમાં ખાલી કરવામાં આવી રહ્યો હતો જેમાં સ્થળ પર પહોંચેલ પોલીસને જોઈ કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ગોડાઉનમાં ઉતારી રહેલા બે ઈસમો ઘટના સ્થળેથી ભાગ્યા હતા જ્યારે સ્થળ પરથી એક ઈસમ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો જ્યારે ઘટના સ્થળેથી ભાગેલા બે ઈસમોનો પણ રૂરલ પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી તેઓને ઝડપી પાડ્યા હતા.
જેમાં કન્ટેનર પાસેથી ઝડપાયેલા ઈસમને પૂછપરછ કરતા તે કન્ટેનરનો ચાલક હોવાનું અને આ વિદેશી દારૂનો જથ્થો તે ગોવાથી લાવીને અહીંયા ખાલી કરવા માટે આવ્યો હોવાનું તેણે કબૂલ્યું હતું જ્યારે ભાગેલા બે ઈસમોની પૂછપરછ કરતા તેઓ મજૂરો હોવાનું અને કન્ટેનરમાંથી ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં માટે આવ્યા હોવાનું કબૂલ્યું હતું
જ્યારે મસવાડ જીઆઇડીસી ખાતે આવેલ આ ઔદ્યોગિક ગોડાઉન વિદેશી દારૂના ધંધા માટે ભાડે રાખવામાં આવ્યું હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે જેમાં હાલોલ રૂરલ પોલીસની ટીમે ગોડાઉનમાંથી અંદાજે એક કરોડ રૂપિયા જેટલી કિંમતનો ૯૦૦ જેટલી વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડી હતી
જેમાં પોલીસે રંગે હાથે વિદેશી દારૂનો કન્ટેનરમાંથી જથ્થો ઉતારતા ત્રણ ઇસમો જેમાં (૧)અણડારામ હેમારામ ચાકડ,(૨)કમલેશ ભારમલરામ પુડીયા અને (૩)રાકેશ કુમાર પુનમારામ ભગુડા ત્રણેય રહે. રાજસ્થાનનાઓની અટકાયત કરી હતી.