નડિયાદમાં 1000 મીટર અને ગાંધીધામ ખાતે ૩૦૦ મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
જનપ્રતિનિધિઓએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિના નારા સાથે નગરજનોને રાષ્ટ્રભક્તિની ભાવનામાં તરબતર કર્યા
રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનને ગુજરાતના નાગરિકોએ મહાભિયાન બનાવી લીધું છે. હર ઘર તિરંગા અભિયાન ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્ય ત્રિરંગાના રંગે રંગાયું છે. રાજ્યના નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની પ્રબળ ભાવનાઓ જોવા મળી રહી છે. ચારેય બાજુ ઈમારતો પર ત્રિરંગા શાનથી લહેરાઈ રહ્યા છે, ગલીએ-ગલીએ તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે, તિરંગાનું વિતરણ થઇ રહ્યું છે તેમજ વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડવા માટે અનેક પ્રવૃત્તિઓ હાથ ધારવામ આવી રહી છે.
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, રાજકોટ જિલ્લાના જસદણ ખાતે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિના નારા સાથે નગરજનોને રાષ્ટ્રભક્તિની ભાવનામાં તરબતર કર્યા હતા. સાથે જ મંત્રીશ્રીઓએ પ્રત્યેક ગામ અને નગરમાં તિરંગા રેલી યોજીને આઝાદીના અવસરમાં સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ૧૦૦૦ મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે તેમજ કચ્છના ગાંધીધામ ખાતે ૩૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા યાત્રા યોજાઈ હતી. ગાંધીધામ ખાતેની તિરંગા યાત્રામાં સંસદ સભ્ય શ્રી વિનોદ ચાવડા સહભાગી થયા હતા. કચ્છમાં ગાંધીધામ ઉપરાંત ભચાઉ, મુંદરા, નખત્રાણા, અબડાસા, નલીયા તથા લખપતમાં તિરંગા યાત્રાઓ યોજાઈ હતી. જ્યારે, નડિયાદ ખાતેની ભવ્ય તિરંગા યાત્રામાં ૫૦૦૦થી વધુ નાગરીકો જોડાયા હતા.
ભરૂચ જિલ્લામાં યોજાતી તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં સહભાગી થવા ભરૂચવાસીઓને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે અપીલ કરી હતી. હર ઘર તિરંગા અભિયાનને જનવ્યાપી બનાવવા માટે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોલેજના એનસીસી કેડેટ્સ અને કોલેજની વિદ્યાર્થીનીઓને તિરંગાનું વિતરણ પણ કરાયું હતું. દેશની આન, બાન, શાન એવા તિરંગાના સન્માનમાં નર્મદાના સાગબારા તાલુકાના આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. સાથે જ નર્મદાના રાજપીપળામાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે હર ઘર તિરંગા અભિયાનને વધુ વ્યાપક બનાવવા ઘરે-ઘરે, ફળિયે-ફળિયે અને દુકાને- દુકાને જઈ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ તેમજ ખંભાળિયા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. મહેસાણામાં પણ રેલ્વે પોલીસ સ્ટેશન દ્વારા તિરંગા યાત્રાનું આયોજના કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાને ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ૨૫૦૦થી વધુ નાગરીકો જોડાયા હતા. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પણ ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયાની ઉપસ્થિતમાં તિરંગા યાત્રા યોજાઈ હતી.
સાબરકાંઠાના ઇડર ખાતે ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા ભવ્ય તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. જિલ્લાના નાગરીકો તિરંગા યાત્રામાં જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાની વિવિધ તાલુકા હેલ્થ કચેરીઓ ખાતે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. બીજી બાજુ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં તેમજ આણંદ જિલ્લાના પેટલાદ ખાતે ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી.
વલસાડના ધરમપુર ખાતે સંસદ સભ્ય શ્રી ધવલ પટેલ અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમજ કપરાડા ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. પાટણના સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામની પ્રાથમિક શાળા દ્વારા વક્તૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. સાથે જ સિદ્ધપુર તાલુકાના વાધણા, કાલેડા અને બિલિયા ગામમાં પણ તિરંગા યાત્રા યોજાઇ હતી.
ભાવનગરના પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામમાં આંગણવાડીના ભૂલકાઓએ કઠોળનો ઉપયોગ કરીને તિરંગો બનાવી ધ્વજને સલામી આપી અનોખી રીતે દેશભાવના વ્યક્ત કરી હતી. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૫૨ ગામોમાં ગ્રામજનોએ વિશાળ હર ઘર તિરંગા યાત્રાઓ યોજી હતી.