દેશભક્તિના રંગે હિલોળે ચડ્યું ગુજરાત: તિરંગા યાત્રામાં જોવા મળ્યો ગુજરાતીઓનો દેશપ્રેમ
રાષ્ટ્રીય ચેતનાને એક તાંતણે બાંધવાનો અવસર એટલે હર ઘર તિરંગા અભિયાન
Ø વલસાડમાં ૪૦૦ મીટર લંબાઈના તિરંગો લહેરાવ્યો: દેવભૂમિ દ્વારકાના ૨,૦૯૦ ફુટની ઉંચાઇ ધરાવતા “આભાપરા” ટેકરી પર તિરંગો લહેરાવ્યો
Ø રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દેશભક્તિના થીમ આધારીત ચિત્ર, રંગોળી તથા વાનગી સ્પર્ધાઓ યોજાઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને ઝીલીને સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાયું છે. રાષ્ટ્રીય ચેતનાને એક તાંતણે બાંધવાનો અવસર એટલે હર ઘર તિરંગા અભિયાન જેમાં ગુજરાતના નાગરિકો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યાં છે.
ગુજરાતના જિલ્લાઓમાં અનેક સ્થળે તિરંગા યાત્રા, રેલી અને વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી દેશદાઝ દર્શાવતા કાર્યક્રમોનું આયોજન દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ અભિયાનમાં સાંસદો, અધિકારીઓ, પદાધિકારીઓ તથા નાગરિકો સહિત આબાલ વૃદ્ધ સૌ કોઈ ઉમળકાભેર સહભાગી થઈ અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવા પ્રેરણા આપી રહ્યાં છે.
પ્રકૃતિની ગોદમાં લહેરાય તિરંગો, ઊંચે ડુંગર પર લહેરાય તિરંગો. બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લઈ તિરંગા યાત્રા યોજીને દેશભક્તિનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ડુંગરની કઠિન કેડીઓને પાર કરીને 2090 ફૂટ ઊંચાઈએ આભાપરા… pic.twitter.com/PuFMLdB9QR
— Kaushik Vekariya (@ikaushikvekaria) August 13, 2024
વલસાડ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વહિવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વલસાડની બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં ૪૦૦ મીટર લંબાઈના તિરંગાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ૩૫૦થી વધુ પોલીસ જવાનો અને જિલ્લા વહીવટી તંત્રના કર્મીઓએ યાત્રા દરમિયાન આ અતિભવ્ય વિશાળ તિરંગા સાથે માર્ચ કરી હતી. યાત્રાના સ્વાગત દરમિયાન આ તિરંગા પર પથરાયેલી ફૂલોની પાંખડીઓએ તિરંગાનું ગૌરવ વધાર્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરડા ડુંગર વિસ્તારમાં હર ધર તિરંગા અભિયાનની ઉજવણી કરી હતી. તેમણે રાવણાનેશ, અંધારીયાનેશ, સોનકંસારીનેશ, મોરબીયાનેશ, બાબરીનેશ તથા આભાપરાનેશમાં વસવાટ કરતા માલધારીઓને “તિરંગા યાત્રા” માં સમાવેશ કરી તેમને તિરંગા વિતરણ કરાયું હતું.
તેમના રહેઠાણથી તિરંગા યાત્રાની શરૂઆત કરી દુર્ગમ બરડા ડુંગરની ટોચ પર આવેલ ૨૦૯૦ ફુટની ઉંચાઇ ધરાવતા “આભાપરા” ટેકરી પર તિરંગો લહેરાવી આ તિરંગા યાત્રાને જિલ્લાનાં દુર્ગમ અને સામાન્ય જન-જીવનથી દૂર રહેતા નેશવાસીઓ સુધી પહોંચાડી રાષ્ટ્રભકિતની ભાવના પ્રોત્સાહિત કરી હતી.
ભાવનગર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને લઈને ભારે આંનદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પાલીતાણા તાલુકાની આંગણવાડીઓમાં ભેળ પુરીમાં પણ રાષ્ટ્રભક્તિનો ટેસ્ટ જોવા મળ્યો હતો.
પાલીતાણા તાલુકાની નવાગામ, નેસડી, મોખડકા, નોઘણવદર અને વડીયા ગામની કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની થીમ આધારિત પુલાવ, ભેળ, પૂરી, બરફીની વિવિધ વાનગીઓ બનાવી બાળકોને પીરસી હતી. આંગણવાડીના નાના બાળકોમાં રાષ્ટ્રભાવના બળવત્તર બને અને નાનપણથી જ રાષ્ટ્રભક્તિના ગુણો કેળવાય તે માટે સંસ્કાર સાથેનું શિક્ષણ આપવામાં આવે છે.
હર ઘર તિરંગા અભિયાનમાં રાષ્ટ્ર પ્રેમના અનેક અનોખા ઉદાહરણ જોવા મળે છે. આવું જ એક ઉદાહરણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદમાં જોવા મળ્યું હતું. બોટાદના દાઉદી વ્હોરા સમાજના “ઇઝી સ્કાઉટ બેંડ” દ્વારા “Nation First” થીમ અધારીત પ્રસ્તુતી કરવામાં આવી. દાઉદી વ્હોરા સમાજ દ્વારા પ્રસ્તુત કરાયેલી યાત્રામાં ભારતની અખંડીતતા અને સામાજીક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડીને તિરંગા યાત્રાને સાચા અર્થમાં સાર્થક બનાવી છે.
હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ભાવનગરના ગારીયાધાર ખાતે હર ઘર તિરંગા યાત્રા દ્વારા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં અંદાજિત ૩ હજાર લોકોએ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી.
તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી બનાસકાંઠામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ તથા પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેત ભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ‘હર ઘર તિરંગા યાત્રા‘ યોજાઈ હતી. જેમાં પોલીસ જવાનો દ્વારા ૨૦૦ મીટર લાંબા તિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાહદારીઓ, વેપારીઓ, વાહનચાલકો અને નગરજનોએ હાથમાં તિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત ઊંઝા ખાતે શેઠ એમ. આર. એસ. હાઇસ્કુલ અને શ્રી એમ. એસ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલે સંયુક્ત રીતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. ઉંઝાના ધારાસભ્ય શ્રી કે.કે.પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ તિરંગા યાત્રામાં સ્થાનિક અગ્રણીઓએ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ રેલીથી સમગ્ર રેલી માર્ગ ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
આ ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી, કડી તાલુકા પંચાયત, જામનગરના જામજોધપુર, કચ્છના રાપરના લોદ્રાણી ગામ, નર્મદાના રાજપીપળા, મહેસાણા, અરવલ્લીના ભિલોડા, પાટણ, ભરૂચ ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી.
જેમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. આ ઉપરાંત ભાવનગર જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. -ઋચા રાવલ