કમલા હેરિસ બાઇડેન કરતાં પણ વધુ બિનકાર્યક્ષમ: ડોનાલ્ડ ટ્રમ્પ
નવી દિલ્હી, અમેરિકામાં આગામી નવેમ્બરમાં પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય માહોલમાં ગરમાવો વધી રહ્યો છે. ટ્રમ્પ સામે બાઇડેનને બદલે હવે કમલા હેરિસ મેદાનમાં છે અને ટ્રમ્પે તેની પર હુમલા શરૂ કરી દીધા છે. ટેસ્લાના ઇલોન મસ્ક સાથેના ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને જો બાઇડેન કરતાં પણ વધુ બિનકાર્યક્ષમ ગણાવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્રમ્પની એન્ટ્રીના દિવસે જ તેમણે ઇલોન મસ્કને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. બહુપ્રતિક્ષિત ઓડિયો ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે, “તે કટ્ટર ડાબેરી વિચારસરણી ધરાવે છે. તે ટ્રમ્પ કરતાં પણ વધુ ટ્રમ્પ થવા માંગે છે.
કમલા હેરિસ ત્રીજા દરજ્જાની નકલી ઉમેદવાર (થર્ડ રેટ ફોની) છે.” ટ્રમ્પે દોહરાવ્યું હતું કે બાઇડેનને બદલે કમલા હેરિસને ઉમેદવાર બનાવવાનો નિર્ણય આંતરિક બળવાનું પરિણામ હતું. મસ્કે પણ કમલા હેરિસ કટ્ટર ડાબેરી વિચારસરણી ધરાવતા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે હેરિસ પાસે સાડા ત્રણ વર્ષનો સમય હતો. હજુ કંઇક કરવા માટે વધુ પાંચ મહિનાનો સમય છે, પણ તે કંઈ નહીં કરે.ટ્રમ્પે દાવો કર્યાે હતો કે, “કમલા અને બાઇડેન બંને બિનકાર્યક્ષમ છે. કમલા હેરિસ બાઇડેન કરતાં વધુ બિનકાર્યક્ષમ છે.” ટ્રમ્પે હેરિસ પર સરહદની સુરક્ષામાં ગંભીર નિષ્ફળતાનો આરોપ મૂક્યો હતો. સરહદની સુરક્ષામાં બેદરકારીને કારણે હજારો લોકો દેશમાં ગેરકાયદેસર ઘૂસ્યાં છે.
ટ્રમ્પે કહ્યું હતું કે, “હું કાયદેસર ઇમિગ્રેશનની તરફેણમાં છું, પણ ગેરકાયદે ઇમિગ્રેશન સામે મને વાંધો છે.” તેમણે કમલા હેરિસ પર જુઠ્ઠું બોલવાનો પણ આરોપ મૂક્યો હતો. મસ્કના એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે બાઇડેનની વિદેશ નીતિની ઝાટકણી કાઢી હતી. તેમણે રશિયન પ્રેસિડેન્ટ પુતિન, ચાઇનીઝ પ્રેસિડેન્ટ જિનપિંગ અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની પ્રશંસા કરી હતી.SS1MS