ઈરાન ઈઝરાયેલ ઉપર સીધો હુમલો નહીં કરે
વોશિંગ્ટન, ઈરાનમાં હમાસના વડાની હત્યા અને લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયેલની સતત કાર્યવાહીએ મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ ખરાબ કરી છે. ઈરાન સતત ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. જ્યારે ઈઝરાયેલ પણ પોતાના દુશ્મનોને મારી રહ્યું છે.
સમગ્ર વિશ્વ આ ક્ષેત્રમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે કહ્યું છે કે જો ગાઝામાં યુદ્ધવિરામનો કરાર થાય છે તો ઈરાન ઈઝરાયલ વિરુદ્ધ હુમલા રોકવા પર વિચાર કરી શકે છે.
વાસ્તવમાં, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મંગળવારે પૂછવામાં આવ્યું કે શું તેમને આશા છે કે જો ગાઝા યુદ્ધવિરામ સમજૂતી થઈ જશે તો ઈરાન ઈઝરાયેલ સામે બદલો નહીં લે, તો તેમણે કહ્યું, ‘તે મારી આશા છે’. આ પહેલા ન્યૂઝ એજન્સી રોઈટર્સે ઈરાનના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને કહ્યું હતું કે માત્ર યુદ્ધવિરામ સમજૂતી ઈરાનને ઈઝરાયલ વિરુદ્ધ સીધા હુમલાથી રોકી શકે છે.
અમેરિકા પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે જો ઈઝરાયેલ પર હુમલો થશે તો તે તેનું સમર્થન કરશે. તે જ સમયે, યુએસ નેવીએ ઇઝરાયેલની સુરક્ષાને મજબૂત કરવા માટે મધ્ય પૂર્વમાં યુદ્ધ જહાજ અને એક સબમરીન પણ તૈનાત કરી છે. રિપોર્ટ અનુસાર ઈરાનના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ કહ્યું કે જો ગાઝા મંત્રણા નિષ્ફળ જશે તો ઈરાન હિઝબુલ્લાહ જેવા સહયોગીઓ સાથે મળીને સીધો હુમલો કરશે.
ઇઝરાયેલના હુમલા અને યુદ્ધના ડરને કારણે લોકો ગાઝામાંથી સ્થળાંતર કરવાનું ચાલુ રાખે છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં દક્ષિણ પશ્ચિમ ગાઝામાં ૭૫ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ગયા અઠવાડિયે જ ઈઝરાયેલી સેનાએ આ વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ગત વર્ષે ૭ ઓક્ટોબરથી ગાઝામાં ઈઝરાયેલના હુમલા ચાલુ છે.
અહીં અત્યાર સુધીમાં ૪૦ હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.અમેરિકાએ દાવો કર્યાે છે કે ઈરાન અથવા તેના પ્રોક્સી આ અઠવાડિયે ઈઝરાયેલ પર સીધો હુમલો કરી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકા ઈરાની હુમલાને રોકવાની તૈયારી કરી રહ્યું છે.
આ માટે મધ્ય પૂર્વમાં ગાઈડેડ મિસાઈલ સબમરીન મોકલવામાં આવી છે. અમેરિકન એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકનને પણ મોકલવામાં આવી રહ્યું છે.
અબ્રાહમ લિંકન હ્લ-૩૫ ફાઈટર એરક્રાફ્ટથી સજ્જ છે.હકીકતમાં હમાસ અને હિઝબુલ્લાના કેટલાક વરિષ્ઠ નેતાઓની હત્યા બાદ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને તેના માર્યા ગયેલા હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાનો બદલો લેવાની જાહેરાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન અને લેબનોનના હિઝબુલ્લા ઈઝરાયેલના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે.SS1MS