Western Times News

Gujarati News

અમદાવાદના બાવળા APMC ખાતે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં અમદાવાદ જિલ્લો અગ્રેસર : કલેક્ટરશ્રી

કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવામાં અમદાવાદ જિલ્લો મોખરે છે

સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, જિલ્લાતાલુકા પંચાયતના આગેવાનોની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

દેશના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમદાવાદના બાવળા એપીએમસી ખાતે જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ તિરંગો લહેરાવી સૌ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં અમદાવાદ જિલ્લો અગ્રેસર રહેશે.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતાં કલેકટરશ્રીએ જણાવ્યું કે આઝાદીના આંદોલનમાં ગુજરાતનો અનન્ય ફાળો છે. ગુજરાતના સપૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમાં આઝાદીનું અહિંસક આંદોલન ચાલ્યું, તેનું મુખ્ય કેન્દ્ર અમદાવાદનો સાબરમતી આશ્રમ હતો. કલેકટરશ્રીએ આઝાદીની લડતમાં પોતાનું સંપૂર્ણ જીવન અર્પણ કરી દેનારા વીર સપૂતો અને શહીદોનું પુણ્યસ્મરણ કર્યું હતું.

આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી વિશ્વભરમાં ભારતનું સન્માન વધ્યું છે એમ જણાવી કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે આઝાદીનાં સો વર્ષ પૂરાં થવા પર એક વિકસિત રાષ્ટ્ર તરીકે ભારતને પ્રસ્થાપિત કરવા માટે દેશનાં તમામ ક્ષેત્રે પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની દિશામાં મક્કમ પગલાં લેવાઈ રહ્યાં છે.

વિકસિત ગુજરાતના આ સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ જિલ્લો તમામ ક્ષેત્રે આગેવાની લેશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કરતાં કલેકટરશ્રીએ જણાવ્યું કે વિશ્વના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતું અમદાવાદ એક સમયે એશિયાનું માન્ચેસ્ટર ગણાતું હતું. જે આગામી સમયમાં ધોલેરા અને સાણંદ ખાતેના સેમિકન્ડક્ટર ચિપના પ્લાન્ટને પરિણામે સેમિકન્ડક્ટર હબ તરીકે પણ જાણીતું બનશે. તદુપરાંત, લોથલ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરનું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પણ તૈયાર થઈ રહ્યું છે. જેને તેમણે જિલ્લાનું ગૌરવ ગણાવ્યું હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની અમલવારીમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં કલેકટરશ્રીએ ઉમેર્યું કે જિલ્લાભરમાં મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, નેશનલ રુરલ લાઇવલીહુડ મિશનની યોજનાઓમાં સારી કામગીરી કરવામાં આવી છે, આવી રહી છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વ્યક્તિગત અને સામુદાયિક શૌચાલયના લક્ષ્યાંકને સો ટકા હાંસલ કરવામાં સફળતા મળી છે.

શિક્ષણ અને અરોગ્યક્ષેત્રે થયેલી કામગીરી વર્ણવતાં તેમણે કહ્યું કે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ની અમલવારી ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યૂટર લેબ ઉપરાંત નવા વર્ગખંડો નિર્માણ થઈ રહ્યા છે. બીજી તરફ, આરોગ્યને પ્રાથમિકતા આપીને જિલ્લામાં આયુષ્માન કાર્ડમાં 100 ટકાનું લક્ષ્ય હાંસલ કરવા માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.

જિલ્લામાં થયેલા કૃષિના વિકાસ વિશે કલેકટરશ્રીએ ઉમેર્યું કે અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં ડાંગર અને ઘઉંના પાકમાં વાવેતરની દૃષ્ટિએ પ્રથમ ક્રમે છે. ભાલિયા ઘઉંને જીઆઈ ટેગ મળવું તમામ ખેડૂતો માટે ગર્વની બાબત છે. કૃષિકારોને સશક્ત બનાવવા માટેની ‘પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિ યોજના’ તથા ટેકાના ભાવે ખરીદીમાં ઉત્કૃષ્ટ કામગીરી થઇ રહી છે. આ ઉપરાંત, ડ્રોન દીદી યોજના હેઠળ 284 ગામડાંમાં ડ્રોન નિદર્શન પણ કરવામાં આવ્યું છે.

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટેના પ્રયાસો વિશે જણાવતા કલેક્ટરશ્રીએ કહ્યું કે સમગ્ર જિલ્લાના 32,000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેના પરિણામે જિલ્લામાં તેર હજાર એકર કરતાં વધારે વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. જિલ્લામાં 100 ટકા રસીકરણ તેમજ ચાલુ વર્ષે 160 પશુમેળાના આયોજન બદલ તેમણે પશુપાલન વિભાગની કામગીરીને બિરદાવી હતી.

પ્રદૂષણને નાથવા માટે વનીકરણ પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું કે સામાજિક વનીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 53 લાખથી વધારે રોપાઓનું વિતરણ થયું છે. જ્યારે જિલ્લાભરમાં પાંચ ‘નમો વડ વન’માં 500થી વધારે વડનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લા પોલીસની કામગીરીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે સાઇબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના રૂપિયા 1.35 કરોડથી વધુ તથા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ થકી ફરિયાદીઓને રૂપિયા 2.85 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસતંત્રએ  પરત અપાવ્યો છે. રમતગમત વિભાગની કામગીરીને બિરદાવતા તેમણે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને નારણપુરા ખાતે નિર્માણાધીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને અમદાવાદનું ગૌરવ ગણાવ્યા હતા.

કલેક્ટરશ્રીએ આઈ-મોજણી અને સ્વામિત્વ યોજનાની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે કલેકટરશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને પ્રતીકાત્મકરૂપે પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવ્યાં હતાં.

આજના સમારોહમાં જિલ્લા પોલીસના જવાનો દ્વારા અનુશાસનબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ બાવળાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સાહસ અને શૌર્યથી ભરપૂર સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી. તદુપરાંત યોગનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન પણ કર્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, સ્થાનિક ધરાસભ્યશ્રીઓ કનુભાઈ પટેલ તેમજ કિરીટસિંહ ડાભી, બાવળા તાલુકા પંચાયતના પ્રમખુ શ્રી સિદ્ધરાજસિંહ સોઢી, બાવળા એપીએમસીના વડા શ્રી હરિભાઈ ડાભી તથા અન્ય હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક નિવાસી કલેકટર શ્રી સુધીર પટેલ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ, જિલ્લાના રાજકીય-સામાજિક અગ્રણીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ તથા રાષ્ટ્રપ્રેમી નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.