Western Times News

Gujarati News

NFSU ખાતે ડોક્ટરો અને દર્દીઓ માટે ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર ઇમરજન્સી ટોક્સિકોલોજી સેન્ટર સ્થપાશે

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદનો વિષય હતો, “ઇમર્જન્સી ટોક્સિકોલોજીઃ બિલ્ડીંગ બ્રિજ બિટવીન મેડિસિન એન્ડ ફોરેન્સિક્સ”. આ પરિસંવાદના મુખ્ય અતિથિ  તરીકે ડૉ. આર.કે. પટેલ, પૂર્વ ડાયરેક્ટર યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ ઉપસ્થિત રહ્યા હતા. NFSU to establish India's first and only Emergency Toxicology Centre for Doctors and Patients.

“પદ્મશ્રી”થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) દ્વારા કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં આવી હતી. જ્યારે ડો.તુષાર પટેલ, પ્રમુખ-અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ડૉ. એ.એમ. કાદરી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર-ગુજરાત સરકાર પણ મંચ પર ઉપસ્થિત હતા.

આ પ્રસંગે NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, NFSU વિવિધ પ્રકારના ઝેરના નિદાન અને વિશ્લેષણ માટે ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર ઇમરજન્સી ટોક્સિકોલોજી સેન્ટર સ્થાપશે. વર્તમાન સમયમાં શંકાસ્પદ ઝેરના કિસ્સાઓમાં ડોકટરો માટે દર્દીને યોગ્ય ઇમરજન્સી સારવાર પ્રદાન કરવાનું કાર્ય મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં શંકાસ્પદ ઝેરગ્રસ્ત દર્દીઓના જીવન બચાવવામાં NFSU મહત્ત્વનો ભાગ ભજવશે.

NFSU ખાતે સ્થપાનારા આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ડોક્ટરો-હોસ્પિટલોને શંકાસ્પદ ઝેરની ઓળખ અને વિશ્લેષણમાં મદદ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. આ કેન્દ્ર આ ક્ષેત્રમાં કાર્યરત્ વિવિધ હિસ્સેદારોને યોગ્ય તાલીમ આપશે અને  શોધ-સંશોધનનું કાર્ય પણ હાથ ધરશે. ભવિષ્યમાં આ કેન્દ્ર દ્વારા જન-જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી શંકાસ્પદ રોગ અને ઝેર અંગે લોકોને માહિતગાર કરી, તેનાથી બચવા માટેના ઉપાયો પણ સૂચવાશે.

આ પરિસંવાદમાં બી.જે. મેડિકલ કોલેજ, NHL મ્યુનિસિપલ મેડિકલ કૉલેજ, GMERS મેડિકલ કૉલેજ, GCS મેડિકલ કૉલેજ, એપોલો હોસ્પિટલ સહિતની કોલેજ-હોસ્પિટલોના ગાયનેકોલોજિસ્ટ,નિયોનેટોલોજિસ્ટ્સ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ સહિતના તબીબોએ હાજરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.