ઉદ્ધવ સરકારમાં કકળાટ શરૂ! મંત્રી અબ્દુલ સત્તારનું રાજીનામું
મુંબઈ : મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે શપથ લીધી તેને માંડ બે મહિના પણ નથી થયા કે સરકારમાં કકળાટ શરૂ થઈ ગયો છે. સરકારમાં રાજ્ય મંત્રી તરીકે શપથ લેનારા અબ્દુલ સત્તારએ રાજીનામુ ધરી દીધું છે. જોકે, મહત્ત્વપૂર્ણ વાત એ છે કે સત્તાર શિવસેના કોટામાંથી રાજ્ય મંત્રી બન્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સત્તાર કૅબિનેટ મંત્રીપદ માંગી રહ્યા હતા અને મંત્રી મંડળના વિસ્તરણથી નારાજ થઈ તેમણે રાજીનામું ધરી દીધું છે. શિવસેનાએ આ અહેવાલોને ફગાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું છે કે આ પ્રકારનું કોઈ રાજીનામું મળ્યું નથી.
સંજય રાઉતે જણાવ્યું કે ‘પાર્ટીને રાજીનામાના કોઈ પણ પ્રકારના અહેવાલો મળ્યા નથી. તેઓ શરૂઆતથી શિવસેના સાથે નહોતા બાદમાં જોડાયા હતા. કોઈ પણ ખાતુ નાનું કે મોટું નથી હોતું, જો કઈ વ્યક્તિ એવી રીતે વિચારે તો ખોટું વિચારે છે. રાજ્યપાલ કોશિયારીને હજુ સુધી કોઈ પણ પ્રકારનું રાજીનામુ મળ્યું નથી.’ શિવસેનાની આગેવાનીવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન સરકારમાં શિવસેના ઉપરાંત, રાષ્ટ્રવાદીકૉંગ્રેસ પાર્ટી અનેકૉંગ્રેસનો સમાવેશ થાય છે. આ સરકારની રચના થઈ ત્યારથી ત્રણેય પક્ષો વચ્ચે વિભાગોની વહેંચણીને લઈને સતત ઝઘડો ચાલુ છે. 30 ડિસેમ્બરે 36 નવા પ્રધાનોના શપથ ગ્રહણ સાથે, મહારાષ્ટ્રમાં કાઉન્સિલના સભ્યોની સંખ્યા વધીને 43 થઈ ગઈ છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ હજી સુધી નવા મંત્રીઓને પોર્ટફોલિયો ફાળવ્યા નથી.