Western Times News

Gujarati News

દુઃખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે….

‘દુઃખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે….’ આ શબ્દો લાંબા સમયના સંઘર્ષ બાદ અનુભવેલી લાગણીના છે. આ શબ્દો આકરો તાપ, કડકડતી ઠંડી અને ભરપૂર વરસાદ વેળાએ કષ્ટો વેઠ્યા બાદ મળેલી શાંતિના છે. આ શબ્દો દારૂણ પરિસ્થિતિમાંથી છુટકારો મળતાં હૈયે ઉમટતી ખુશીઓના છે. આ અભિવ્યક્તિ છે શ્રી વેચણભાઈ વસાવાની. દાયકાઓ સુધી તેઓ કાચા મકાનમાં રહ્યા, એવું મકાન કે જે તાપ, ટાઢ અને વરસાદથી રક્ષણ આપવા પણ સક્ષમ નહોતું.

છૂટક મજૂરી કરતા વેચણભાઈએ તેમની નજર સામે જ અનેક પાક્કા મકાનો બનતા જોયા. અરે, તેમાંથી કેટલાક મકાનોના નિર્માણમાં કદાચ મજૂરી કામ પણ કર્યું હશે. પણ એક દિવસ પોતાનું પણ આવું મકાન હશે તે સપનું અધુરુંનું અધુરું જ રહી ગયું હતું. પણ આજે તેમની આંખો પોતાના પાક્કા મકાનને જોઈને ખુશીઓના આંસુથી ઉભરાઈ રહી છે. તેમના જીવનમાં સંઘર્ષની વર્ષો લાંબી કાળ રાત્રિ પૂરી કરી સુખનો સૂરજ ઉગાડનાર છે, પ્રધાનમંત્રી આવાસ યોજના…

પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અંધારી ગામના વેચણભાઈ વસાવાના જીવનમાં ફેલાયો ઉજાસ

પોતાની વાત વર્ણવતા શ્રી વેચાણભાઈ કહે છે કે, દિવસ આખો મજૂરી કરીને ઘરે પરત આવીએ ત્યારે ગાર-માટીનું મકાન જોઈને નિસાસો નખાઈ જતો હતો. છૂટક મજૂરી કરી માંડ માંડ ઘરનું ગાડું ચાલતું હોય ત્યાં પાકા મકાનનો તો વિચાર જ ક્યાંથી આવે. તેવામાં જાણવા મળ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાક્કું મકાન બનાવવા માટે સહાય મળે છે. જેથી મેં તાલુકા પંચાયતમાં જઈને આ યોજનાનું ફોર્મ ભરીને યોજનાનો લાભ લીધો હતો.

અરજી મંજૂર થતાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.1.20 લાખ મકાન બાંધવા માટેની સહાય મળી. અને તેમાં મારી થોડી બચત ઉમેરી મેં મારા સપનાનું ઘર બનાવ્યું. આ યોજના માત્ર મારા માટે નહીં પણ સમગ્ર પરિવાર માટે આશીર્વાદ સમાન છે. આ યોજનાથી જ હું મારા પાકા મકાનના આંગણામાં ઊભો છું. મજબૂત આશરો મળતાં હવે મને કે મારા પરિવારજનોને  હવે શિયાળો,ઉનાળો કે ચોમાસાની ચિંતા નથી.

અંધારી ગામે વિવિધ યોજના અંતર્ગત ૮૦થી વધુ પાક્કા મકાનોને મંજૂરી

અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું અંધારી એટલે જિલ્લાનું એકમાત્ર એવું ગામ કે જ્યાં અનુસૂચિત જનજાતિના લોકો બહુમતી ધરાવે છે. આ ગામના વતની વેચણભાઈ વસાવાનું પાક્કા મકાનનું સપનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પરિપૂર્ણ થયું છે. અંધારી ગામમાં વેચણભાઈ સહિત અન્ય સાત લાભાર્થીઓને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ  લાભ મળ્યો  છે.

આદિમજૂથ મકાન યોજના હેઠળ પણ ૮૦ જેટલા મકાનોને મંજૂરી મળી છે. જ્યારે સરદાર આવાસ યોજના હેઠળ 30 મકાન તથા ઇન્દિરા આવાસ યોજના હેઠળ 50 મકાનોને મંજૂરી મળી છે. આમ, વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ પરિવારોને તેમના સપનાનું ઘર મળી રહ્યું છે.

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અવાર-નવાર કહે છે કે, તેમની સરકાર ગરીબોને સમર્પિત સરકાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પણ અંત્યોદયથી સર્વોદયના લક્ષ્યાંક માટે કાર્યરત છે. ત્યારે આવાસ યોજના હેઠળ પાક્કા મકાનોના નિર્માણથી વેચણભાઈ જેવા નાગરિકોનું જીવનધોરણ ઊંચુ આવવાની સાથે તેમના બહુમૂલ્ય આશીર્વાદ પણ સરકારને મળી રહ્યા છે. – શ્રુતિ, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.