Western Times News

Gujarati News

વિક્ટોરિયા ગાર્ડનથી કાલુપુર સુધી જનમાર્ગ કોરિડોરમાં ખાનગી વાહનોના પ્રવેશ માટે રજુઆત

Files Photo

( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર મહિને કમિશનર ના અધ્યક્ષપદે સાંસદો અને ધારાસભ્યોની સંકલન બેઠક મળે છે. શનિવારે મળેલી બેઠકમાં ધારાસભ્યો એ અશાંતધારા, ટ્રાફિક સમસ્યા, અધિકારીઓ ની બેદરકારી, એસવીપી હોસ્પિટલ સહિતના મુદ્દે રજુઆત કરી હતી.

મ્યુનિસિપલ સંકલન સમિતિની બેઠકમાં જમાલપુર વિધાનસભાના  ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ રજૂઆત કરી હતી કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રી-ડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે.

ખૂબ વાહનોની અવર-જવર થાય છે તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી પણ વાહનોની અવર-જવર કરવા દેવામાં આવે તે દિશામાં વિચાર કરવો જરૂરી છે.હાલ નાગરિકો ને કાલુપુર સ્ટેશન જવું હોય તો બે કલાક પહેલા ઘરેથી નીકળવું પડે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની SVP હોસ્પિટલમાં 1,400 બેડમાંથી ફક્ત 200 ઉપર જ દર્દીઓને એડમિટ કરવામાં આવે છે.

જેથી કરીને 1200 બેડ ખાલી રહે છે. તેનું લાઈટ બીલ જ મહિને લાખો રૂપિયા આવતું હશે. વળી VS હોસ્પિટલ બંધ થવાથી ગરીબોની હાલાકી વધી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે ગરીબો માટેનું ફંડ પણ બંધ કર્યું છે. જેને લઈને SVP હોસ્પિટલમાં અમદાવાદ શહેરની આસપાસના ગામડાના લોકો સારવાર લઈ શકતા નથી. સંકલન સમિતિ સહિતની બેઠકોમાં કામો કરવા માટેની રજૂઆત કરવામાં આવે છે, પરંતુ અધિકારીઓ સાંભળતા નથી અવારનવાર રજૂઆત બાદ પણ કામગીરી થતી નથી. એટલે અધિકારીઓનું જ રાજ ચાલે છે. તેવા આક્ષેપ પણ તેમણે કર્યા હતા.

ભાજપના મહિલા ધારાસભ્ય ડો.પાયલ કુકરાણીએ પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે પાણી- ડ્રેનેજ ના ગેરકાયદેસર જોડાણ દૂર કરવા માટે અધિકારીઓ જાય છે ત્યારે ધારાસભ્ય ની ફરિયાદ છે તેમ કહે છે તે અયોગ્ય છે. એલિસબ્રિજ ના ધારાસભ્ય અમિત શાહે અશાંતધારા નો ભંગ થતો હોય તેવા બાંધકામ ની રજા ચિઠ્ઠી રદ કરવા રજુઆત કરી હતી એ ઉપરાંત ફોગિંગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારથી કમિશનર ને વાકેફ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.