Western Times News

Gujarati News

અમદાવાદમાં કચરાના ન્યુસન્સ સ્પોટ પર 270 CCTV પૈકી માત્ર 50 જ કાર્યરત

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં જાહેરમાં વિવિધ સ્થળે ગંદકી કરવામાં આવે છે. જ્યાં લોકો કચરો નાખીને જતા રહે છે.  જેને કારણે શહેરમાં જ્યાં ત્યાં ન્યુસન્સ સ્પોટ બની ગયા છે.  જે બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સર્વે કરતા કુલ ૨૮૩ જેટલા ન્યુસન્સ સ્પોટ આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે.

તેને દૂર કરવા બાબતે ૨૯.૨.૨૦૨૪ ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.૨.૩૮ કરોડના ખર્ચે ૩૦૦ જેટલા વિવિધ ન્યુસન્સ સ્પોટ પર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ મંજૂર કરવામાંઆવ્યું હતું.પરંતુ તંત્ર ઘ્વારા મંજુર કરવામાં આવેલ 300 સીસીટીવી હજી ઇન્સ્ટોલ થયા નથી અને જે ઇન્સ્ટોલ થયા છે તે પૈકી 25 ટકા જ કાર્યરત છે.

મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ ન્યુસન્સ પોઈન્ટ પર હજી સુધી માત્ર ૨૭૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જે પૈકી માત્ર ૫૦ જેટલા જ હાલમાં કાર્યરત છે જે ભાજપના પોકળ ગતિશીલ વિકાસ હોવાનું સાબિત કરે છે જેને કારણે ઠેર ઠેર ન્યુસન્સ સ્પોટ યથાવત રહયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ સુધી ન્યુસન્સ પોઈન્ટ પર કેમેરા નાખવામાં આવ્યા બાદ કોઈ નીતિ નક્કી કરવામાં આવી નથી.

કચરો નાખનારને આઈડેન્ટિટી કઈ રીતે કરી શકાશે? સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કર્યા બાદ તેને જાળવણી કેવી રીતે થશે? તે ચોરાઈ જાય નહીં તેની તકેદારી કેવી રીતે રખાશે? આ તમામ બાબતે તમામ વિભાગ એકબીજાને અંદરો અંદર ખો આપી રહ્યા છે. ભાજપના સત્તાધીશો દ્વારા શહેરીજનોને અમદાવાદ શહેરને ક્લીન અને લવેબલ સીટી, સ્માર્ટ સિટી, સ્વચ્છ અને સ્વસ્થ સીટી, ક્લીનેસ્ટ સીટી ઓફ ઇન્ડિયા જેવા ભારેખમ વચનો આપ્યા હતા. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સપના બનાવટી પુરવાર થયા છે.

સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાથી સ્વચ્છતા ની કામગીરી થઈ જશે તેવા ભ્રામક ખ્યાલોમાંથી બહાર આવી સ્વચ્છતા બાબતની નક્કર કામગીરી કરવાથી સાચા અર્થમાં શહેરને સ્વચ્છ કરી શકાશે અન્યથા આ રકમ વેડફાઈ જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે જેથી સ્વચ્છતા બાબતની નક્કર કામગીરી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.