‘સ્ત્રી ૨’ને પહેલા દિવસે અક્ષયની ‘ખેલ ખેલ મેં’ કરતાં ૭ ગણી કમાણી
મુંબઈ, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની જાણીતી હોરર કામેડી‘સ્ત્રી ૨’ લોંગ વીકેન્ડનો લાભ લેવા માટે ગુરુવારે રિલીઝ કરવામાં આવી છે. રિલીઝ થતાં પહેલાં જ દર્શકોમાં આ ફિલ્મ વિશે એટલો ઉત્સાહ હતો કે આ ફિલ્મે એડવાન્સ બૂકિંગનાં પણ બધાં જ રેકોડ્ર્ઝ તોડી નાંખ્યા છે.
શુક્રવારે ઓલ ઇન્ડિયા રિલીઝ થાય તે પહેલાં ગુરુવારે આ ફિલ્મનું પેઈડ પ્રિવ્યૂ રખાયું હતું, જેને ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો હતો, જેણે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સ્થાપિત કરી દીધાં છે. ‘સ્ત્રી ૨’ શાહરુખની ‘ચેન્નઈ એક્સ્પ્રેસ’નો એડવાન્સ બૂકિંગનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
૨૦૧૩માં આ ફિલ્મે એક દિવસમાં ૬.૭૫ કરોડની આવક કરી હતી, જ્યારે આ ફિલ્મે ૮ કરોડની કમાણી કરી લીધી છે. જો ટિકિટની વાત કરવામાં આવે તો પેઇડ પ્રિવ્યૂ સિવાયના શોની દેશમાં મલ્ટિપ્લેક્સમાં જ ‘સ્ત્રી ૨’ની ૩૯૨૦૦૦ ટિકિટ વેંચાઈ છે. જેમાં આ ફિલ્મે સલમાન ખાનની ‘ટાઇગર ૩’, રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’ અને આમિર ખાનની ‘ઠગ્ઝ ઓફ હિન્દુસ્તાન’ને પણ પાછળ રાખી દીધી છે.
એડવાન્સ બૂકિંગના રેંકિંગમાં ‘સ્ત્રી ૨’ હાલ સાતમા ક્રમે છે.આ યાદીમાં ટોચ પર ૬૫૦૦૦૦ ટિકિટ સાથે ‘બાહુબલી ૨’, ૫૫૭૦૦૦ ટિકિટ સાથે ‘જવાન’, ૫૫૬૦૦૦ પઠાણ, ૫૧૫૦૦૦ ટિકિટ સાથે ‘કેજીએફ ૨(હિન્દી)’, ‘એનિમલ’ની ૪૬૦૦૦૦ ટિકિટ વેંચાઈ અને ‘વાર’ની ૪૧૦૦૦૦ ટિકિટ વેંચાઈ હતી. અને જો સિંગલ સ્ક્રિન અને મલ્ટિપ્લેક્સ બંનેની વાત કરવામાં આવે તો ‘સ્ત્રી ૨’એ ૮૨૪૪૮૩ ટિકિટ વેંચીને ૨૩.૩૬ કરોડની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મના રેકોર્ડ એટલા માટે વધુ મહત્વના ગણાય છે કારણ કે તે આ કમાણી સાથે અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ અને જોહ્ન અબ્રાહમની ‘વેદા’ સાથે હરિફાઈમાં છે અને આ બંને ફિલ્મો સૌથી ઓછી ટિકિટના રેકોર્ડમાં સ્થાન પામે તેવી સ્થિતિમાં છે. કારણ કે ‘ખેલ ખેલ મેં’ની માંડ ૪૭૨૦૨ ટિકિટ વેંચાઈ અને ૧.૫૪ કરોડની આવક થઈ છે, જ્યારે ‘વેદા’એ ૬૧૦૪૦ ટિકિટ સાથે ૧.૪૯ કરોડની કમાણી કરી છે.
આમ ‘સ્ત્રી ૨’ પહેલા અઠવાડિયે ૫૦ કરોડથી શરૂઆત કરે તેવી આશા છે, જ્યારે ‘વેદા’ અને ‘ખેલ ખેલ મેં’ માંડ ૫-૭ કરોડ કમાઈ શકે તેવું લાગે છે. ‘સ્ત્રી ૨’ એવી ફિલ્મ છે, જેને મેડોક પ્રોડક્શન્સના હોરર કોમેડી યુનિવર્સની માર્વેલ ગણાવવામાં આવી રહી છે, જેમાં દરેક પ્રકારના ભૂત, આત્માઓ, વેમ્પાયર સાથે લડતાં બધાં જ સુપરહિરો એક સાથે જોવા મળી રહ્યા છે.
કારણ કે ‘સ્ત્રી-૨’ના પોસ્ટ ક્રેડિટ સીનમાં ‘મુંજ્યા’નો એન્ડ ક્રેડિટ સીન આગળ વધે છે, જ્યારે ‘ભેડિયા’નો વરુણ ધવન પણ આમાં અભિષેક બેનર્જી એટલે કે જાના પાસેથી કપડાં લેતો દેખાય છે. અંતમાં અભિષેક બેનર્જી દિલ્હી જવાની ઉતાવળમાં હોય છે, ત્યારે વરુણ ધવન તેને દિલ્હીમાં વેમ્પાયરના ખતરા અંગે ચેતવે છે.
તેથી એ જાણવા મળે છે કે મેડોકના હોરર કોમેડી યુનિવર્સમાં હવે વેમ્પાયર ઉમેરાશે. એવા પણ અહેવાલો છે કે આયુષ્યમાન ‘વેમ્પાયર્સ ઓફ વિજયનગર’માં લીડ રોલમાં જોવા મળશે. અંતે આ ફિલ્મમાં અક્ષય કુમાર હોસ્પિટલના બિછાને દેખાય છે, જેને સરકટાનો વારસદાર માનવામાં આવે છે, અને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે ‘માર્વેલ’ના થાનોસની જેમ મુખ્ય વિલન તરીકે જોવા મળશે.SS1MS