પહેલી લોકસભામાં સાંસદ રહેલા કમલ બહાદૂર સિંહનું અવસાન
નવી દિલ્હી, દેશની પહેલી લોકસભાના એકમાત્ર જીવિત સાંસદ અને બિહારના ડુમરાંવ રાજના અંતિમ મહારાજ કમલ બહાદૂર સિંહનું રવિવારે બક્સરમાં અવસાન થઈ ગયું. તેઓ 94 વર્ષના હતા. કમલ બહાદુર સિંહના પુત્ર ચંદ્રવિજય સિંહે જણાવ્યું કે, તેમના પિતા છેલ્લા 6 વર્ષોથી બીમાર હતા.
તેમના અવસાન પર શોક વ્યક્ત કરતા બિહારના CM નીતિશ કુમારે જાહેરાત કરી કે, કમલ બહાદૂર સિંહને સંપૂર્ણ રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોતાના શોક સંદેશમાં કુમારે જણાવ્યું કે, તેમણે શિક્ષા ક્ષેત્રમાં અમે સમાજને વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કમલ બહાદૂર સિંહના અવસાનથી એક સ્વર્ણિમ અને ગૌરવશાળી યુગનો અંત આવ્યો છે. તેમના અવસાનથી રાજનીતિ અને સમાજિક ક્ષેત્રે મોટુ નુક્સાન થયું છે. કમલ બહાદૂર સિંહે રવિવારે સવારે 5.10 કલાકે બક્સર જિલ્લાના ભોજપુર સ્થિત આવાસ પર અંતિમ શ્વાસ લીધાં. તેમના પાર્થિવ દેહ તેમના ભોજપુર સ્થિત નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. સોમવારે સવારે તેમના અંતિમ સંસ્કાર થશે. નોંધનીય છે કે, પહેલી લોકસભાના તેઓ એકમાત્ર જીવિત સાંસદ હતા.