Western Times News

Gujarati News

ટીંમ્બા ગામે જવેલર્સની દૂકાન તથા ઘરમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

સોના ચાંદી ધરેણા મળી કુલ ૩૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ રીકવર કરી બે શખ્સોને ઝડપી પાડ્‌યા

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ એલસીબી પોલીસે ટીંબારોડ ગામે આવેલી દુકાનમાં થયેલ સોનાચાંદીના દાગીના તેમજ રોકડ રકમ થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે, પોલીસ દ્વારા ચોરીના દાગીના તેમજ અન્ય સાધનો સહિત કુલ રૂ ૩૦ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બે ઇસમોની ચૂંદડી બસ સ્ટેન્ડ પાસેથી અટકાયત કરવામાં આવી હતી, જેમાં અન્ય એક વડોદરાના પાણીગેટ પોલીસમથકે નોંધાયેલા ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો.

પંચમહાલ એલસીબી પોલીસને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે, ગોધરા તાલુકાના ટીંબારોડ ગામે આવેલી એક જ્વેલર્સની દુકાનમાં તાજેતરમાં જ ચોરી થઈ હતી, જે અંગેનો ગુનો કાંકણપુર પોલીસમથકે નોંધાયો હતો, આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ હાલ ચૂંદડી બસ સ્ટેન્ડ પાસે ચોરીનો મુદ્દામાલ વેચવા માટે ઉભા છે,

જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે બાતમી મુજબની જગ્યાએ જઈને બે આરોપીઓને દબોચી લીધા હતા, બંને પકડાયેલા ઇસમોને તેઓના નામઠામ પૂછતાં તેઓએ પોતાના નામ દિલદારસીંગ તુફાનસીંગ બાવરી અને તારાસીંગ કલસીંગ સરદાર જણાવ્યા હતાં, પોલીસ દ્વારા બંને ઇસમોની અટકાયત કરીને તેઓની જડતી કરતા તેઓ પાસેથી રૂ ૪.૪૦ લાખના ૭.૫૯ કિલોગ્રામ ચાંદીના જુદા-જુદા દાગીના, રૂ ૨૫.૪૨ લાખના ૪૨૪.૨૭ ગ્રામ

સોનાના દાગીના તેમજ રૂ ૯૬ રોકડ મળી આવી હતી, આમ પોલીસ દ્વારા કુલ રૂ ૩૦.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જે બાદ પકડાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ રાજાસીંગ માધુસીંગ સરદારના પ્લાન મુજબ વડોદરા પાણીગેટ વિસ્તારમાંથી એક કારની ચોરી કરીને બંને ઈસમો ડેસર આવ્યા હતા,

ડેસરથી રાજાસીંગ માધુસીંગ સરદાર એમ ત્રણેય ઈસમો ભેગા મળી રાજાસીંગના જણાવ્યા ટીંબારોડ ગામે આવેલ સોનીની દુકાનનુ તથા ઘરના દરવાજાનુ નકુચો તોડી દુકાનમાંથી તેમજ ઘરમાં મુકેલ તીજોરીમાંથી સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી, જ્યારે પકડાયેલ બે ઈસમો તથા અન્ય એક ઇસમ મળીને તેઓ ભુંડ પકડવાનુ કામ કરતા હોવાથી દિવસ દરમ્યાન સોસાયટી વિસ્તારમાં ભુંડ પકડવાના બહાને જઈ બંધ મકાનો તથા દુકાનોની રેકી કરતા હતા,

તેમજ રાત્રીના સમયે વાહનોની ચોરી કરીને ચોરીના વાહન લઇને બંધ મકાન કે દુકાનના નકુચા તોડી ચોરીઓ કરતા હતા, જે બાદ ચોરીનુ વાહન અવાવરૂ જગ્યાએ છોડી દઈ ઘરફોડ ચોરીઓને અંજામ આપતા હતા, પંચમહાલ એલસીબી પોલીસ દ્વારા વડોદરા પાણીગેટ પોલીસમથકે નોંધાયેલા અન્ય એક ગુનાનો પણ ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.