ગોંડલના મોવીયા ગામે સગા બાપે જ દીકરાની હત્યા કરી !
રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામડામાં સગા બાપે દીકરાની હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. ૧૧,૦૦૦ની વસતી ધરાવતા ગામમાં એક બાપે દીકરાને મોતને ઘાટ ઉતારવાની જાણ થતા જ સમગ્ર પંથકમાં અરેરરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ મોવીયાના રહેવાસી નિતેશ કેશુભાઇ ચાંગેલા (ઉ.વ.૪૦)ને તેના પિતા કેશુભાઇએ કોંસના ઘા મારી હત્યા કરી છે. બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. મૃતક નિતેશને સંતાનમાં બે પુત્રો છે. આથી બંને પુત્રો નાનનકડી ઉંમરમાં નિરાધાર બન્યા છે.
આ જઘન્ય ઘટનાનું કારણ હજુ અકબંધ છે પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતક નિતેશના પિતાએ તેના ઘરમાં જ તેની હત્યા કરી નાંખી છે. પિતાએ જે દીકરાને જન્મ આપીને ઉછેરીને ૪૦ વર્ષનો કર્યો તેના જ માથામાં કોંસના ઉપરાછાપરી ઘા મારી પોતાના પુત્રનું જ કાસળ કાઢી નાખ્યું હતું. નિતેશ ચાંગેલાનો મૃતદેહ લોહિયાળ અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવ્યો હતો.
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અજંપો વ્યાપી ગયો હતો અને લોકાના ટોળેને ટોળા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક નિતેશ ચાંગેલા અને આરોપી પિતા કેશુ ચાંગેલા ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલ આ સમગ્ર મામલે ગોંડલ પોલીસે ઘટના સ્થળે જઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોવીયા ગોંડલ તાલુકાનું ખેતી પ્રધાન ગામ છે. આ ગામમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખેતમજૂરી છે.