અમદાવાદની ૧૫ બૅન્કોમાંથી ડુપ્લીકેટ નોટો મળી
અમદાવાદ: અમદાવાદ પોલીસના સ્પેશિયલ આૅપરેશન ગ્રુપક્રાઇમ વિભાગે ૧૫થી વધુ જેટલી બૅન્કોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ હોવાના ખુલાસા સાથે ગુનો દાખલ કર્યો છે.
છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની વિવિધ બૅન્કોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ છે. હાલ એસઓજી ક્રાઇમે કુલ ૭.૭૬ લાખની ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યારે ગુનો નોંધાયો હતો ત્યારે ત્રણ માસમાં ૧૫ લાખી ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. બાદમાં પાંચ લાખથી વધુની અને હવે ૭.૭૬ લાખની નોટો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદની વિવિધ બૅન્કોમાં ડુપ્લીકેટ નોટો જમા થઇ છે. જે નોટો એસઓજી ક્રાઇમ દ્વારા રિકવર કરવામાં આવી છે. આ તમામ નોટોને હાલ એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી) ડિપાર્ટમેન્ટમાં મોકલી પણ આપવામાં આવી છે. નોટબંધીને લગભગ ૨ વર્ષથી વધુ જેટલો સમય વીતી ગયો છે.
નોટબંધી કરવા પાછળનું મહત્વનું કારણ વૈશ્વિક સ્તરે અને તેમાંય ભારતમાં ઘણી ડુપ્લીકેટ કરન્સી ફરતી હતી. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાદવામાં આવી હતી.
પરંતુ હકીકત કંઈક જુદી છે અમદાવાદ એસઓજી ક્રાઇમે પોલીસે બૅન્કો માંથી ૨૦૨૬ જેટલી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો ઝડપી પાડી છે.જેમાં ઘણીખરી નોટો ઝેરોક્ષ અથવા તો પ્રિન્ટ થયા હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ માની રહી છે. ત્યારે આટલી મોટી માત્રામાં ડુપ્લીકેટચલણી નોટો બૅન્કોમાં આવી કઈ રીતે તો આ વિષય ઉપર પોલીસનું માનવું છે કે બેન્કના વહીવટી વિભાગ જે મોટા જથ્થામાં નોટો મશીન વડે ગણાતા હોય છે તેમાં આવી નોટો આવી ગયા હોવાનું હાલ પોલીસ અને સત્તાધિશ એજન્સીઓ માની રહી છે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ પાકિસ્તાન બાંગ્લાદેશની સરહદ મારફતે ભારત દેશમાં નકલો નોટો ઘુસાડતું આવ્યું છે. પરંતુ છેલ્લા ૨ વર્ષથી નાપાક પાકિસ્તાન પોતાની મેલી મુરાદોને પાર પાડવામાં અસક્ષમ રહ્યું છે તેવું સૌ કોઈને નોટબંધી બાદ લાગતું હતું. જયારે વાસ્તવિકતા કંઈક જુદી જ છે. હાલ એસઓજી ક્રાઇમે અમદાવાદની ૧૫થી વધુ જેટલી બૅન્કો માંથી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો મળી આવી છે. પોલીસે બે હજારના દરની ૨૩૮, ૫૦૦ના દરની ૨૮૨. ૨૦૦ના દરની ૧૮૫, ૧૦૦ના દરની ૧૧૨૯, ૫૦ના દરની ૧૮૭, ૨૦ના દરની ૨, ૧૦ના દરની ૩ નકલી નોટો મળી આવી. કુલ ૭,૭૬,૩૨૦ની કિંમતની ૨૦૨૬ નોટો પોલીસે કબજે કરી છે. આ વાત તો માત્ર અમદાવાદની જ છે જયારે હજી ગુજરાતમાં આવી કેટલી બૅન્કોમાં કેટલી ડુપ્લીકેટ ચલણી નોટો ફરે છે તે કોઈ જાણતું નથી.