અમદાવાદમાં ડેન્ગ્યુનો ડંખ યથાવત : 7 દિવસમાં 180 કેસ નોંધાયા
જયારે ડેન્ગ્યુના કેસમાં ચાલુ મહિને ચિંતાજનક હદે વધારો થયો છે.શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના 180 જેટલા કેસ નોંધતા આરોગ્ય અધિકારીઓ દોડતા થઈ ગયા છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ઘ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહયા છે. પરંતુ તે અપૂરતા સાબિત થઈ રહ્યા છે.
શહેરમાં ડેન્ગ્યુ એ હાહાકાર મચાવ્યો છે. ઓગસ્ટ મહિનાના 18 દિવસમાં જ ડેન્ગ્યુના 345 કેસ કન્ફર્મ થયા છે. જે પૈકી છેલ્લા 7 દિવસ એટલે કે 11 થી 18 ઓગસ્ટ સુધીમા જ 179 કેસ કન્ફર્મ થયા છે. ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના કુલ 765 કેસ નોંધાયા છે જે પૈકી ઓગસ્ટના 18 દિવસમાં જ 345 કેસ કન્ફર્મ થયા છે. મતલબ કે, ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ કેસ પૈકી 45 ટકા કેસ માત્ર 18 દિવસમાં જ નોંધાયા છે જયારે છેલ્લા 7 દિવસમાં ચિકનગુનિયા ના નવા 16 કેસ બહાર આવ્યા છે. આ આંકડા ચોંકાવનારા અને ચિંતાજનક માનવામાં આવે છે.
શહેરના પૂર્વઝોનમાં સૌથી વધુ 158, ઉ.પ.ઝોનમાં 152, પશ્ચિમ ઝોનમાં 135, અને દક્ષિણઝોનમાં 109 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે.જયારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 92, ઉતરઝોન માં 78 અને મધ્યઝોનમાં 41 કેસ કન્ફર્મ થયા છે. વોર્ડદીઠ જોવામાં આવે તો રામોલ 45, થલતેજમાં 57, ગોતા માં 46, બહેરામપુરામાં 34, જોધપુરમાં 31 અને ગોમતીપુરમાં 23 કેસ કન્ફર્મ થયા છે. મ્યુનિસિપલ હોસ્પિટલ માં ડેન્ગ્યુના 587 અને ખાનગી હોસ્પિટલમાં 178 કેસ નોંધાયા છે.
ચાલુ વરસે 18 ઓગસ્ટ સુધી ડેન્ગ્યુના 765, ચિકનગુનિયા ના 48,સાદા મેલેરિયાના 371 અને ઝેરી મેલેરિયાના 47 કેસ નોંધાયા છે. ચિકનગુનિયા ના સૌથી વધુ 17 કેસ મધ્યઝોનમાં કન્ફર્મ થયા છે. ઝોનના અસારવા અને જમાલપુર વોર્ડમાં ચિકનગુનિયા ના 4-4 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળા ને નિયંત્રણ માં લેવા માટે આરોગ્ય વિભાગ ઘ્વારા 11616 સરકારી જગ્યા, 10826 ખાનગી જગ્યા અને 6819 કન્સ્ટ્રકશન સાઇટ ચેક કરવામાં આવી છે. જે પૈકી 22437 એકમોને નોટિસ આપી રૂ. 27,44,691 વહીવટી ચાર્જ લેવામાં આવ્યો છે.
શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ની સાથે સાથે કોલેરા અને કમળા ના કેસ પણ વધી રહ્યા છે. છેલ્લા ઓગસ્ટ મહિના દરમ્યાન કોલેરાના નવા 22, કમળાના 299, ટાઈફોઈડ ના 485 અને ઝાડાઉલ્ટીના 541 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ દરમ્યાન કોલેરાના 193 કેસ નોંધાયા છે.
શહેરના વટવા, ગોમતીપુર, બહેરામપુરા, લાંભા, રાણીપ, ઇન્દ્રપુરી સહિતના વિસ્તાર કોલેરાના એ.પી.સેન્ટર બની ગયા છે.તેવી જ રીત કમળા નો આતંક પણ વધી રહ્યો છે. ચાલુ વર્ષ દરમ્યાન 17 ઓગસ્ટ સુધી કમળાના 1636 કેસ નોંધાયા છે. જેની સામે 2023માં પૂરા વર્ષ દરમ્યાન 1739 કેસ નોંધાયા હતા.