શું થયું હતું અજમેર જિલ્લામાં 32 વર્ષ પહેલાં બહુચર્ચિત ન્યૂડ પિક્ચર બ્લેકમેલ કૌભાંડમાં
૩૨ વર્ષ બાદ કોર્ટનો નિર્ણય આવ્યો અજમેર જિલ્લામાં ગેંગરેપ અને બ્લેકમેલિંગના મામલામાં -આ કેસમાં કોર્ટે સંડોવાયેલા ૬ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
(એજન્સી)અજમેર, અજમેર જિલ્લામાં થયેલા દેશના બહુચર્ચિત ન્યૂડ પિક્ચર બ્લેકમેલ કૌભાંડમાં કોર્ટનો નિર્ણય આવ્યો છે. આ કેસમાં ૩૨ વર્ષ બાદ લેવાયેલા નિર્ણય મુજબ કોર્ટે બાકીના સાતમાંથી છ આરોપીઓને દોષિત ઠેરવ્યા અને સજા સંભળાવી છે.
બ્લેકમેલ કૌભાંડમાં સામેલ આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈન છે. કોર્ટે આ તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.આરોપીઓએ પહેલા એક છોકરીને પોતાની ચુંગાલમાં ફસાવતા હતા અને પછી પ્રથમ છોકરીને છોડવાના બદલામાં તેઓએ તેની સામે બીજી છોકરી લાવવાની શરત રાખતા હતા.
આ રીતે આરોપીઓએ એક પછી એક ૧૦૦થી વધુ કોલેજીયન યુવતીઓ સાથે ગેંગરેપ કર્યો હતો. સામૂહિક બળાત્કાર દરમિયાન આરોપીઓ યુવતીઓના નગ્ન ફોટોગ્રાફ્સ પણ લેતા હતા. આ દરમિયાન એક કલર લેબમાંથી અનેક યુવતીઓના નગ્ન ફોટા આખા શહેરમાં ફેલાઈ ગયા હતા. આ ઘટના ૩૨ વર્ષ જૂની છે, જેના પર આજે કોર્ટનો નિર્ણય આવ્યો.
આ સમગ્ર કેસમાં ૧૮ આરોપીઓ હતા જેમાંથી ૯ને દોષિત ઠેરવવામાં આવ્યા છે. નફીસ ચિશ્તી, સલીમ ચિશ્તી, સોહેલ ગની, ઝમીર હુસૈન, ઈકબાલ ભાટી અને ટારઝનને લઈને આજે નિર્ણય આવ્યો છે. સરકારી વકીલ અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ સમગ્ર કૌભાંડને ૩૨ વર્ષ પહેલા ‘અશ્લીલ ફોટોગ્રાફ બ્લેકમેલ સ્કેન્ડલ’ નામ આપવામાં આવ્યું હતું.
આ કેસમાં અનવર ચિશ્તી, ફારૂક ચિશ્તી, પરવેઝ અંસારી, મોઇનુલ્લાહ ઉર્ફે પુત્તન અલ્હાબાદી, ઈશરત ઉર્ફે લલ્લી, કૈલાશ સોની, મહેશ લુધાની, શમશુ ચિશ્તી ઉર્ફે મેનરાડોના અને ટારઝનની ધરપકડ કરવામાં આવી હતી.અજમેરમાં યુથ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ ફારૂક ચિશ્તી તેના સહયોગી નફીસ અને તેના સાગરિતો કોલેજની છોકરીઓનો શિકાર કરતા હતા.
તેઓ ફાર્મહાઉસ અને રેસ્ટોરન્ટમાં પાર્ટીઓના નામ પર છોકરીઓને બોલાવતા અને પછી તેમને નશો કરાવીને પછી સામૂહિક બળાત્કાર કરતા હતા. આ પછી આરોપી તેના નગ્ન ફોટોગ્રાફ્સ લેતા હતા. નગ્ન તસવીરોના નામે આરોપી યુવતીઓને બ્લેકમેલ કરતા હતા.