Western Times News

Gujarati News

રાજકોટ TRP આગની દુર્ઘટના બાદ પણ અમદાવાદ મ્યુ. કોર્પો. બેદરકાર

એસઓપી જાહેર કરી સીલીંગ પ્રક્રિયા બંધ કરવી અત્યંત જોખમકારક ઃ શહેજાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા મોટાપાયે સીલીંગ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એસઓપી જાહેર કરી સીલ કરેલા તમામ ટયુશન કલાસ, મિની પ્લેકસ થીયેટર વિગેરે ખોલવામાં આવ્યા છે જયારે ગેમઝોન હજી બંધ છે.

પરંતુ માત્ર એસઓપીના આધારે ખોલવામાં આવેલ સીલ ભવિષ્યમાં મોટી દુર્ઘટના માટે જવાબદાર બની શકે છે તેવા સીધા આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.

મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણના જણાવ્યા મુજબ રાજકોટ ગેમ ઝોનમાં ૩૩ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા જેના પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ર૪૪ જેટલા એકમો બીયુ અને ફાયર એનઓસીના મુદ્દે સીલ કર્યાં હતા પરંતુ ગણતરીના દિવસોમાં જ એસઓપી જાહેર કરી ગેમઝોન સિવાયના બાકીના તમામ એકમો ખોલી નાંખ્યા છે.

અહીં પ્રશ્ન એ થાય છે કે માત્ર રૂ.૩૦૦ના બોન્ડ પર બાંહેધરી લખાવી લેવાથી શું નાગરિકો સલામત રહેશે. મ્યુનિ. કોર્પોરેશને જે લોકોના સીલ ખોલ્યા છે તેમને ૩ મહિનામાં ઈમ્પેકટ અંતર્ગત બીયુ લેવા અને એક મહિનામાં ફાયર એનઓસી મેળવવાનો સમય આપ્યો છે. અહીં બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ત્રણ મહિનામાં બીયુ મેળવ્યા બાદ શું બધુ બરાબર થઈ જશે.

મ્યુનિ. કોર્પોરેશને એસઓપી જાહેર કર્યાં બાદ સીલીંગ પ્રક્રિયા સદંતર બંધ જ કરી દીધી છે જે સાબિત કરી છે કે અહીં ગાંધી વૈદ્યનું સહીયારું છે. બીયુ પરમીશન કે ફાયર એનઓસી વગરની ધમધમતી કોમર્શિયલ એક્ટિવીટીને કાયમી ધોરણે જ બંધ કરવા જોઈએ અન્યથા રાજકોટ જેવી હોનારત અમદાવાદમાં પણ બની શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.