સોનાએ લગાવી મોટી છલાંગ, એક દિવસમાં તોડ્યો મહિનાનો રેકોર્ડ
(એજન્સી)નવી દિલ્હી, નાણા પ્રધાન નિર્મલા સીતારમણના બજેટ ૨૦૨૪ રજૂ થયા પછી સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેના કારણે સોનું ખરીદવા માંગતા લોકોને લાગ્યું હતું કે હવે ગોલ્ડ ખરીદવાનો યોગ્ય સમય છે. પરંતુ થોડા દિવસો બાદ સોનાએ ફરી લાંબી છલાંગ લગાવી હતી.
મંગળવારે સોનાએ રેકોર્ડબ્રેક ઉછાળો માર્યાે હતો અને એક જ દિવસમાં ૧૪૦૦ રૂપિયાનો વધારો થયો હતો. સોનામાં એક મહિનામાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ચાંદીના ભાવમાં પણ ૩૧૦૦ રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે. વૈશ્વિક માંગને કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત ૧૪૦૦ રૂપિયા વધીને ૭૪,૧૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગઈ છે.
શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું ૭૨,૭૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ ૩,૧૫૦ વધીને ૮૭,૧૫૦ રૂપિયા પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ ૮૪,૦૦૦ પ્રતિ કિલો હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સોના પરની આયાત ડ્યૂટી ઘટાડવાની જાહેરાત બાદ ગોલ્ડની કિંમતો સતત ઘટી રહી હતી.
૨૩ જૂલાઈએ સોનાની કિંમત ૩,૩૫૦ રૂપિયા ઘટીને ૭૨,૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગઈ હતી. દરમિયાન દિલ્હીમાં, ૯૯.૯ ટકા અને ૯૯.૫ ટકા શુદ્ધતાનું સોનું તેના અગાઉના બંધ ભાવની સરખામણીએ ૧,૪૦૦ રૂપિયા વધીને ૭૪,૧૫૦ અને ૭૩,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું.
સ્થાનિક જ્વેલર્સની વધતી માંગ સાથે વૈશ્વિક મજબૂત વલણને કારણે સોનાના ભાવમાં વધારો થવાનું કારણ વેપારીઓએ જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનું ૧૮.૮૦ ડોલર પ્રતિ ઔં સ વધીને ૨,૫૬૦.૧૦ ડોલર પ્રતિ ઔં સ પર ટ્રેડ કરી રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત પણ વધીને ૩૦.૧૯ ડોલર પ્રતિ ઔં સ થઈ ગઈ છે.