યુવતીએ ધીમેથી પર્સ હાથમાં લઈ વગર બોલે યુવકને સીટ ખાલી કરી આપી અને
દિવસે જેટલું ના ધમધમે એટલું રાત્રે ધમધમતુ અમદાવાદનું મુખ્ય એસ.ટી. બસમથક મલક આખામાં ગીતા મંદિર નામે ઓળખાય છે. દિવસ આખો સ્થાનિક રૂટની બસોની વધારે દોડાદોડી રહે… તો રાત્રે કચ્છ, કાઠિયાવાડ અને આંતરરાજ્ય બસ વ્યવહાર ધમ ધમે.
સવારે સાડા સાત વાગે ઉપડતી અમદાવાદથી સુરતની ગુર્જર રથ એસ.ટી.બસમાં ફાંફે ચડેલા ફાંકડા ઉતારુએ બેની સીટમાં પર્સ મૂકીને બેઠેલી યુવતીને ધીમેથી પૂછ્યું..”માફ કરજો,અહીં કોઈ આવે છે?”
એટલે યુવાન ઉતારુને એટલી તો ખબર પડીકે સીટ ખાલી છે. પોતાનો સામાન ઉપર કેરિયારમાં ગોઠવી યુવાન સીટ ઉપર ગોઠવાયો. ખિસ્સામાંથી મોબાઈલ કાઢી..થોડા ખાંખાં-ખંખોળા કર્યા પછી બાજુમાં જોયું તો યુવતી આંખો ઢાળી ચૂપચાપ બેઠી હતી. ના તો એ બારી બહાર જોતી હતી કે.. ના બસમાં થતી નાની મોટી ચહલપહલ પર ધ્યાન આપતી હતી !
એની આવી નિર્લેપવૃત્તિ જોઈ યુવાન ઉતારુ બારી પાસે બેસવા લલચાયો. નૈતિક હિંમત રાખી તેણે યુવતીને કહ્યું..”તમને વાંધો ના હોય તો પ્લીઝ મને બારી પાસે બેસવા જગા આપશો? આપની ખૂબ મહેરબાની રહેશે.મને બહારની પ્રકૃતિ જોવી ખૂબ ગમે છે !”
“હા..હા..કેમ નહિ આવી જાવ બારી પાસે..મને તો બારી હોય કે ના હોય કોઈ ફરક પડતો નથી.”એટલું બોલતાં તો બારી પાસેની સીટ છોડવા યુવતી જગા ઉપરથી ઊભી થઈ ગઈ.
બારી પાસે જગા મળતાં યુવાન ઉતારુને તો જાણે ગોળનું ગાડું મળી ગયું હોય એટલો રાજી થયો. પછી તો ચાલુ બસે આંખ આગળથી પસાર થતાં લીલાંછમ ઝાડવાં… હોર્ન વગાડી સાઈડ કાપી આગળ વધતાં સાધનો..તો ક્યાંક બસ સ્ટોપ ઉપર થતી પેસેન્જરોની નાની-મોટી હલચલમાં તે ક્યાંય સુધી ખોવાઈ ગયો.
મોબાઈલમાં રીંગ વાગતાં વળી પાછો તે થોડો ધ્યાનભંગ થયો. સામે વાળી વ્યક્તિ સાથે તેને શાલીનતાથી વાત કરતો જોઈ બાજુ વાળી યુવતીને લાગ્યું કે..માણસ સજજન લાગે છે.
મોબાઇલ પર વાતચીત પૂરી થતાં જ યુવતીએ તેને પૂછ્યું…”વ્યવસાયે શિક્ષક લાગો છો ?” કુતૂહલવશ તે બોલ્યો..તમને કેમની ખબર પડી કે હું શિક્ષક છું?
“બસ તમારી વાતચીત કરવાની સ્ટાઈલ પરથી..કારણ કે મારા પપ્પા પણ શિક્ષક છે.”
“ઓહ ! સરસ..શું કરું યાર. હજી હમણાં છ મહિના પહેલાં જ જ્ઞાન સહાયક તરીકે લાગ્યો છું..ને સગાંવહાલાં મમ્મી-પપ્પા પર મારા લગ્ન માટે દબાણ કરી રહ્યાં છે.હમણાં ફૂલ ટાઇમ જોબ હોય તો સમજ્યા..આ તો અગિયાર મહિને છૂટ્ટા..આવું બધું ક્યાં લોકોને સમજાવવું?
તમારી વાત સાચી છે.. મધ્યમ વર્ગના લોકોએ તો ફૂલ ટાઈમ જોબ મળે પછી લગ્નનું જોખમ ખેડાય.મારા પપ્પા પણ વિદ્યા સહાયક હતા..ને એવામાં જ સમાજે ધંધે લગાડી દીધા હતા.. એ તો મારા નાના ને સાસરીના લોકો સારા હતા તે ફૂલ પગાર સુધી પપ્પાને સાચવી લીધા બાકી એ કહેતા હતા કે..બેટા, શરૂઆતના પાંચ વરસ કેમનાં કાઢયાં એ તો અમારું મન જાણે છે !
આમ,જાણે બંને એકબીજાને વરસોથી ઓળખતાં હોય એમ બંને અજાણ્યાં મુસાફરોએ ક્યાંય સુધી એક બીજા સાથે વાતો કરી.
યુવાન ઉતારુએ ધ્યાનથી જોયું તો યુવતી આંખો ઢાળીને વાત કરી રહી હતી..એટલે એનાથી સહજ રીતે પૂછાઇ ગયું..‘માફ કરજો..તમને આંખે કોઈ તકલીફ છે?’
હા,મારી આંખોમાં ફકત ચાલીસ ટકા વિઝન છે.હું નાની હતી ને બીમાર પડી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરી હતી.કોઈ દવાનું રીએકશન આવ્યું કે .બાળપણમાં જ મારી આંખોની રોશની ચાલી ગઈ.
સ્વર્ગની પરી જેવી લાગતી યુવતી દૃષ્ટિની આવડી મોટી ખામી સાથે જીવી રહી છે.. એ જાણતાં જ યુવાન ઉતારુએ હૈયામાં અપાર દુઃખની લાગણી અનુભવી.તેનાથી કુદરતને મનોમન મુંગો ઠપકો અપાઈ ગયો.
‘અત્યારે તમે….?’ ‘હું મારી મોટી બેનના ઘેર એક પ્રસંગમાં સુરત જાઉં છું.’
‘બેનના ઘરે પહોંચવા કેમના મેનેજ કરશો?’ ‘અમદાવાદ ગીતા મંદિરે પપ્પા આવીને બસમાં બેસાડી ગયા હતા..ત્યાં સુરત જીજાજી લેવા આવશે.’
‘તો સારું..બાકી એકલા મુસાફરી કરવી અઘરી પડે.’
‘મોટા ભાગે હું બહુ બહાર નીકળતી જ નથી પણ મોટીબેન ને હું ના પાડી શકું તેમ નહોતી.’
‘કોઈ ધંધો-વ્યવસાય-નોકરી?’ ‘હા, મારો પોતાનો નાના બાળકોના કપડાંનો એક ગારમેન્ટ શો રૂમ છે.હું એ સંભાળું છું.’
‘લગ્ન કર્યાં છે કે..કુંવારા છો?’
‘ના,મારા જેવી દ્રષ્ટિહીન યુવતીને કોણ લઈ જાય? ને લઈ જનારને પણ હું એટલિસ્ટ બીજું તો કયું સુખ આપી શકું? એટલે સમજી વિચારીને હાલ તો હું ભલી ને મારો ગારમેંટનો વ્યવસાય !’
હા, એ તો બરાબર છે પણ..માનો કે કોઈ રાજીખુશીથી તમારી સાથે લગ્ન કરવા તૈયાર થાય તો?
‘તો વિચારીશ…પણ એવું બધું આપણે ધારીએ તેટલું સહેલું નથી.કદાચ સામે વાળો યુવક રાજી હોય પણ એનાં ઘરવાળા થોડાં રાજી હોય?’
યુવતીની વાત પણ સાચી હતી..હજી સમાજ જીવનમાં સંવેદના એટલી પરિપકવ નથી થઈ કે…દિવ્યાંગ વ્યક્તિનો કોઈ નોર્મલ વ્યક્તિ ખૂલીને હાથ પકડી શકે..કદાચ બે દિવ્યાંગ એક બીજા સાથે જોડાય એ બે નંબરની વાત છે.
ચાલુ મુસાફરી દરમ્યાન કોણ જાણે કેમ પણ જ્ઞાન સહાયક યુવાનના મનમાં દિવ્યાંગ યુવતીનો જીવનસાથી બનવાનો કુદરતી ભાવ જાગ્યો.જોકે તરત તો મર્યાદાના કારણે ખૂલીને તે બોલ્યો નહિ પણ તેણે યુવતીનો મોબાઈલ નંબર યાદ કરીને લઈ લીધો હતો.
બે મહિના પછી યુવાને તે યુવતી સાથે નહિ પણ તેના પિતા સાથે વાત કરી.. સીધો પ્રજ્ઞાનો હાથ માંગ્યો.યુવતીના પિતાએ લગ્ન પહેલાં અને પછીનાં બધાં ભયસ્થાનો વિગતવાર સમજાવ્યાં..પણ યુવાન મક્કમ નિર્ધાર સાથે ગમે તે સંજોગોમાં પ્રજ્ઞાને સ્વીકારવા અડીખમ હતો.
છ મહિના પરિચય કેળવ્યા પછી પ્રજ્ઞાની માંગમાં શાલીનના નામનું સિંદૂર હતું…ને શાલીનના જીવનમાં પ્રજ્ઞાનો ઉજાસ હતો !જીવનસાથીની શોધ આજે પુરી થઇ.