ખોખરા સ્પોર્ટ્સ સંકુલ, કાંકરિયા બલૂન સફારી માંથી મચ્છરના બ્રિડિંગ મળ્યા : દંડ વસૂલાયો
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગના કેસ સતત વધી રહયા છે.ઓગસ્ટ મહિનામાં જ ડેન્ગ્યુના 400 જેટલા કેસ નોંધાયા છે. મચ્છર જન્ય રોગચાળા ને નિયંત્રણ માં લેવા માટે મેલેરિયા વિભાગ ઘ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ, ખાનગી મિલકત, શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકીંગ કરવામાં આવે છે અને મચ્છર બ્રિડિંગ મળે તો સીલ અને દંડ સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે મ્યુનિસિપલ અને સરકારી મિલ્કતોમાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં 5 સ્થળે મચ્છર બ્રિડિંગ મળતા રૂ.5000 સુધીનો દંડ કરવામાં આવ્યો છે.
જયારે મ્યુનિસિપલ મિલ્કતો વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, ડ્રેનેજ પંપિંગ, એસ.ટી.પી., સેન્ટ્રલ વર્કશોપ, ઓઢવ રોડ સ્ટોર, ઓસવાલ ગાર્ડન, લાલાકાકા હોલ, કોમ્યુનિટી હોલ બહેરામપુરા અને ઓઢવ કોમ્યુનિટી હોલમાં ચકાસણી કરી હતી. અત્રે નોંધનીય છે કે મચ્છરજન્ય રોગચાળા ને નિયંત્રણ માં લેવા માટે આરોગ્ય વિભાગ ઘ્વારા 11616 સરકારી જગ્યા, 10826 ખાનગી જગ્યા અને 6819 કન્સ્ટ્રકશન સાઇટ ચેક કરવામાં આવી છે. જે પૈકી 22437 એકમોને નોટિસ આપી રૂ. 27,44,691 વહીવટી ચાર્જ લેવામાં આવ્યો છે.