મ્યુનિ. હોસ્પિટલોમાં દર્દીના સ્વજનોના પ્રવેશ માટે નવી પોલિસી બનાવવામાં આવી
સામાન્ય મુલાકાતીઓને સાંજે ૪ થી ૬ દરમિયાન જ પ્રવેશ મળશેઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓ ભારે ધસારો હોય છે. દર્દીઓની સાથે તેમના સ્વજનો પણ મોટી સંખ્યામાં આવે છે જેમાં કયારેક દર્દીઓના સ્વજનો અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થાય છે. આવા બનાવો ન બને તે માટે મ્યુનિ. હોસ્પિટલોમાં મુલાકાતીઓ માટે નવી પોલિસી બનાવવામાં આવી છે જેમાં માત્ર બે જ વ્યક્તિને જ દર્દી સાથે રહેવાની પરવાનગી મળશે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશનની એસવીપી, એલજી, શારદાબેન અને નગરી હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં ઓપીડીમાં દર્દીઓ આવતા હોય છે આ ઉપરાંત એસવીપી હોસ્પિટલમાં સરેરાશ ૪૦૦, એલજીમાં સરેરાશ ૩પ૦, શારદાબેનમાં સરેરાશ ૪૦૦ અને નગરીમાં સરેરાશ ૩૦ ઈન્ડોર પેશન્ટ હોય છે.
આ ઉપરાંત આ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે મોટી સંખ્યામાં તબીબો અને સ્ટાફ રહે છે. છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યું છે કે હોસ્પિટલમાં સારવાર માટે આવનાર દર્દીઓની સાથે તેમના સ્વજનોની સંખ્યા પણ ઘણી વધારે હોય છે. અન્ય ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલમાં દર્દીની સાથે એક કે બે સગાવ્હાલાઓને પ્રવેશ આપવાની નીતિ છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પણ હવે આ જ નીતિનો અમલ કરવા જઈ રહયું છે. જેના કારણે સ્ટાફ અને નાગરિકો વચ્ચે વારંવાર થતાં ઘર્ષણ અને અસલામતીને લગતી ઘટનાઓ પર નિયંત્રણ આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૪માં વીજીટર પોલીસીને મંજુરી આપવામાં આવી હતી જેને ઘણો સમય વિતી ગયો હોવાથી તેમાં થોડાઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.
નવી પોલીસી મુજબ ઓપીડીમાં હરીફરી શકે તેવા પેશન્ટ સાથે એક જ વ્યક્તિને હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવશે. જયારે હરીફરી ન શકે તેવા દર્દી માટે બે વ્યક્તિને પ્રવેશ મળશે. જનરલ વોર્ડમાં દાખલ દર્દી સાથે એક જ વ્યકિતને રહેવાની છુટ આપવામાં આવશે. ઈમરર્જન્સી કેસમાં પણ દર્દી સાથે વધુને વધુ ર જ વ્યક્તિને પ્રવેશ મળશે.
આઈસીયુમાં સારવાર હેઠળ હોય તેવા કેસમાં દર્દીની સાથે એક જ વ્યક્તિ રહી શકશે. ડીલક્ષ સ્પેશ્યલ, સેમી સ્પેશીયલ રૂમમાં દાખલ દર્દી સાથે વધુમાં વધુ બે વ્યક્તિને પ્રવેશ મળશે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા વ્હાલાઓને મુલાકાત માટે સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન જ પ્રવેશ આપવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.