Western Times News

Gujarati News

ખોખરા સ્પોટ્‌ર્સ સંકુલ, કાંકરિયા બલૂન સફારીમાંથી મચ્છરના બ્રિડિંગ મળ્યા

મ્યુનિસિપલ કોર્પોરેશનની ૦૫ અને એક સરકારી મિલ્કતમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા

( દેવેન્દ્ર શાહ )અમદાવાદ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગના કેસ સતત વધી રહયા છે. ઓગસ્ટ મહિનામાં જ ડેન્ગ્યુના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે. મચ્છર જન્ય રોગચાળા ને નિયંત્રણ માં લેવા માટે મેલેરિયા વિભાગ ઘ્‌વારા કન્સ્ટ્રક્શન સાઇટ, ખાનગી મિલકત, શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકીંગ કરવામાં આવે છે અને મચ્છર બ્રિડિંગ મળે તો સીલ અને દંડ સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશના ભાગરૂપે મ્યુનિસિપલ અને સરકારી મિલ્કતોમાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ૫ સ્થળે મચ્છર બ્રિડિંગ મળતા રૂ.૫૦૦૦ સુધીનો દંડ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ઘ્‌વારા ૧૨ ઓગસ્ટ થી ૧૬ ઓગસ્ટ દરમ્યાન સરકારી મિલ્કતોમાં મચ્છર બ્રિડિંગ માટે રેન્ડમ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન ખોખરા સ્પોટ્‌ર્સ સંકુલ, અમરાઈવાડીમાં સુભાષનગર પંપિંગ સ્ટેશન, મકતમપુરા માં ૨૮૫ એમ.એલ.ડી.પ્લાન્ટ, બોડકદેવમાં ગ્લોબલ પંપિંગ સ્ટેશન, સેન્ટ્રલ વેરહાઉસ ઇસનપુર અને બલૂન સફારી કાંકરિયામાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા.

મ્યુનિસિપલ મેલેરિયા વિભાગ ઘ્‌વારા બલૂન સફારી તેમજ સ્પોટ્‌ર્સ સંકુલ ને રૂ.૫૦૦-૫૦૦, સુભાષનગર પંપિંગ સ્ટેશન ને રૂ.૧૦૦૦, બોડકદેવ ગ્લોબલ પમ્પીગને રૂ.૨૫૦, મકતમપુરા પ્લાન્ટને રૂ.૫૦૦૦ તેમજ સેન્ટ્રલ વેરહાઉસ ને રૂ.૧૦૦૦ પેનલ્ટી કરવામાં આવી હતી. પેનલ્ટી ની રકમ જે તે મિલ્કતોની જવાબદાર વ્યક્તિ પાસેથી વસુલ કરવામાં આવી હતી.

મ્યુનિ. મેલેરીયા વિભાગે સદર ઝુંબેશ અંતર્ગત એ.એમ.સી.ની ૧૯ અને ૭ સરકારી મિલ્કતો ના તપાસ કરી હતી.સરકારી મિલ્કતો માં સરખેજ રેલવે સ્ટેશન, સરખેજ પોલીસ સ્ટેશન, યુ.એન.મહેતા હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, ઓ.એન.જી.સી.પ્લોટ નો સમાવેશ થાય છે.જયારે મ્યુનિસિપલ મિલ્કતો વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, ડ્રેનેજ પંપિંગ, એસ.ટી.પી., સેન્ટ્રલ વર્કશોપ,

ઓઢવ રોડ સ્ટોર, ઓસવાલ ગાર્ડન, લાલાકાકા હોલ, કોમ્યુનિટી હોલ બહેરામપુરા અને ઓઢવ કોમ્યુનિટી હોલમાં ચકાસણી કરી હતી. અત્રે નોંધનીય છે કે મચ્છરજન્ય રોગચાળા ને નિયંત્રણ માં લેવા માટે આરોગ્ય વિભાગ ઘ્‌વારા ૧૧૬૧૬ સરકારી જગ્યા, ૧૦૮૨૬ ખાનગી જગ્યા અને ૬૮૧૯ કન્સ્ટ્રકશન સાઇટ ચેક કરવામાં આવી છે. જે પૈકી ૨૨૪૩૭ એકમોને નોટિસ આપી રૂ. ૨૭,૪૪,૬૯૧ વહીવટી ચાર્જ લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.