ખોડલાના વીર શહીદને મુખ્યમંત્રીએ શ્રધ્ધાંજલિ પાઠવી -દુઃખની લાગણી વ્યક્ત કરી
પાલનપુર તાલુકાના ખોડલા ગામના બી.એસ.એફ.માં ફરજ બજાવતા જવાનશ્રી સરદારભાઇ ભેમજીભાઇ બોકાનું ફરજ દરમ્યાન આકસ્મિક નિધન થતાં સમગ્ર જિલ્લામાં શોકની લાગણી છવાઇ છે ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગહેરા દુઃખની લાગણી વ્યક્ત કરી વીર શહીદના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
વીર શહીદને શ્રધ્ધાંજલિ પાઠવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના શોકસંદેશને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તરફથી નાયબ કલેકટરશ્રી એફ. એ. બાબી અને મામલતદારશ્રી કમલભાઇ ચૌધરી ખોડલા મુકામે જઇને વીર શહીદના પરિવારજનોને મળી સન્માનપૂર્વક શોક સંદેશ અર્પણ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શોક સંદેશામાં જણાવ્યું છે કે, અશ્રુભીની આંખ અને હૈયાની વેદના સાથે એ વીર સરદારને જ્યારે ગાર્ડ ઓફ ઓનર અને તિરંગાની હોળમાં લપેટાયેલો જોઇ, સૌના હૈયા ગર્વ અને ગમગીનીથી ઘેરાઇ ગયા છે. આ ઘટનામાં હું આપના પરિવારની પડખે રહી આપ સૌને સાંત્વના પાઠવું છું. ભાઇ સરદાર સદા અમર રહે, એનો જ્યોતિર્મય આત્મા શાંતિ અને ગતિમુક્તિ પામે, વીર શહીદને મારી ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરુ છું.