Western Times News

Gujarati News

બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ કરીને શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે

મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી.

મંદિર પુન: નિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસર સહિત ત્રણે ફેઝની સમગ્ર પુન: નિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યુ હતું.

બહુચરાજી મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીના આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સભા સાંસદશ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, અગ્રણી સર્વશ્રી ગીરીશભાઈ રાજગોર, શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી યજ્ઞેશ દવે, પ્રવાસન વિભાગના સચિવશ્રી રાજેન્દ્ર કુમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રીમતી એસ. છાકછુઆક, ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી ડૉ. હસરત જૈસમીન સહિતના  અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે શ્રી બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ કરી શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.