સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ ઉદવાડા ટાઉનના અભ્યાસ પર પ્રદર્શન યોજ્યું
ગાંધીનગર, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સાથે સંલગ્ન સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન એન્ડ પ્લાનિંગએ હાલમાં જ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં દરિયાકાંઠે વસેલા નગર ઉદવાડાના સ્થાપત્યકીય અને સાંસ્કૃતિક અભ્યાસ પર કેન્દ્રીત એક પ્રદર્શન યોજ્યું હતું.
ગાંધીનગર પાસે અડાલજ સ્થિત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સેન્ટ્રલ પ્લાઝામાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પારસી સમુદાય માટે મહત્ત્વપૂર્ણ ગણાતા દરિયાકાંઠે વસેલા આ નગર અને તેના સમૃદ્ધ વારસાનો અભ્યાસ કરનારા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓના તારણોને આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
વિદ્યાર્થીઓએ તેમના સંશોધન, ડીઝાઇન અને પ્રસ્તાવિત હસ્તક્ષેપોને રજૂ કરી ઉદવાડાના માહોલના સંરક્ષણ અને સ્થાયી વિકાસ અંગે જાગૃતિ પેદા કરવાનો તથા તેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂલ્યની ઊંડી સમજણ કેળવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રદર્શનની શરૂઆતમાં સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન એન્ડ પ્લાનિંગના એસોશિયેટ પ્રોફેસર અને પ્રિન્સિપલ ઇન્ચાર્જ સુશ્રી શ્વેતા કપૂરના નેતૃત્ત્વમાં પ્રેઝન્ટેશન અને વિચાર-વિમર્શનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વર્ણિમ યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓના એકેડેમિક ડીન અને પ્રિન્સિપાલઆ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વર્ણિમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇનના 48 જેટલા વિદ્યાર્થીઓએ તેમના સંશોધનને રજૂ કરી ઉદવાડાની વિશિષ્ટ સ્થાપત્યકીય લાક્ષણિકતાઓ, શહેરી લેઆઉટ અને તેનું સ્થાયી રીતે સંરક્ષણ કરવાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રદર્શન યોજવા પાછળનો ઉદ્દેશ્ય ઉદવાડાના સમૃદ્ધ વારસા અંગે વિદ્યાર્થીઓના તારણો રજૂ કરવાનો તથા તેનું સંરક્ષણ કરવાના મહત્ત્વ અંગે જાગૃતિ પેદા કરી આ વિલક્ષણ નગરના આધુનિક વિકાસને શક્ય બનાવવા સુવિધાઓ સ્થાપિત કરવાનો હતો. આ નગરની સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખીને તેનો વિકાસ કરવા માટેની સંભવિત વ્યૂહરચનાઓ ઘડવા માટે વિદ્યાર્થીઓ, ફેકલ્ટીના સભ્યો અને સ્થાનિક હિતધારકો વચ્ચે અર્થપૂર્ણ સંવાદ પણ થયો હતો.