કોઈપણ યુદ્ધમાં બાળકોના મોતને સ્વીકારી શકાય નહીંઃ મોદી
મેં પુતિનની આંખમાં આંખ નાંખીને કહ્યું કે, આ યુદ્ધનો સમય નથીઃ વડાપ્રધાન
(એજન્સી)કિવ, રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડમાં બે દિવસીય મુલાકાત બાદ યુક્રેન મુલાકાતે છે. તે સ્પેશિયલ રેલ ફોર્સ વનથી કીવ પહોંચ્યા છે. તે લગભગ ૧૦ કલાકની ટ્રેન મુસાફરી કરી કીવ પહોંચ્યા હતાં. જ્યાં રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે મુલાકાત કરી.
તેઓ અહીં ૭ કલાક રોકાણ કરશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ થોડા મહિના પહેલા પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. અગાઉ, મોદી અને ઝેલેન્સકી મે ૨૦૨૩માં જાપાનમાં જી-૭ સમિટ દરમિયાન યુદ્ધ પછી પહેલી વાર મળ્યા હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.
વડાપ્રધાન મોદી કિવમાં સ્કૂલ ઓફ ઓરીએન્ટલ સ્ટડીઝમાં હિન્દી શીખતા યુક્રેનના બાળકોને મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભારત માટે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું સૌથી મહત્વપૂર્ણ છે. હું થોડા દિવસો પહેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો. ત્યારે મેં તેમની આંખમાં આંખ નાખીને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. મોદીએ કહ્યું કે ભારત શાંતિ માટેના દરેક પ્રયાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
જો હું અંગત રીતે કોઈ યોગદાન આપી શકું, તો હું ચોક્કસપણે એક મિત્ર તરીકે આવું કરવા માંગીશ અમે ક્યારેય યુદ્ધ પર તટસ્થ નથી રહ્યા. અમે પહેલા દિવસથી જ શાંતિના પક્ષમાં છીએ.
અમે બુદ્ધની ભૂમિમાંથી આવ્યા છીએ, જ્યાં યુદ્ધને કોઈ સ્થાન નથી. અમે મહાત્મા ગાંધીની ભૂમિમાંથી આવ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે ૧૪૦ કરોડ ભારતીયોની ભાવના માનવતાથી ભરેલી છે. હું યુક્રેનની ધરતી પર શાંતિનો સંદેશ લઈને આવ્યો છું.
કોઈપણ યુદ્ધમાં બાળકોના મોતને સ્વીકારી શકાય નહીં. મ્યુઝિયમમાં યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા બાળકોની માહિતી મળ્યા બાદ મારું હૃદય ભરાઈ આવ્યું છે. હું આનાથી ખૂબ જ દુઃખી છું. કોઈપણ સંસ્કારી સમાજમાં યુદ્ધમાં માર્યા ગયેલા બાળકો જેવી ઘટનાઓને સ્વીકારવામાં આવતી નથી.
માનવતાવાદી મદદ માટે અમે હંમેશા યુક્રેનની સાથે છીએ પીએમ મોદીએ કહ્યું, તમે યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધની શરૂઆતમાં બહાર કાઢવામાં અમારી મદદ કરી હતી. આ માટે હું તમારો આભાર માનું છું. દુનિયા જાણે છે કે કોઈપણ યુદ્ધ દરમિયાન, અમે બે રીતે ભૂમિકા ભજવીએ છીએ. ભારત માનવતાવાદી સહાય અમે હંમેશા ઊભા રહીશું. આ મામલે યુક્રેન સાથે અને બે ડગલાં આગળ વધીશું.