વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન પાસે ટ્રેનના ત્રણ ડબ્બા ખડી પડતાં દોડધામ
સેવાલિયા, ગુજરાતના સૌથી મોટા પાવર સ્ટેશન તરીકે ઓળખાતા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે કોલસો ખાલી કરીને પરત ફરતી ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા ખડી પડતા દોડધામ મચી ગઈ હતી. આ ટ્રેનના ડબ્બા અને નીચેની ટ્રોલી બન્ને અલગ થઈ જતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. આ બન્ને ભાગ કેવી રીતે અલગ થઈ તે હવે તપાસવાનો વિષય બન્યો છે.
સેવાલિયાથી થર્મલ જવા માટે રેલવે એક ટ્રેક બનાવવામાં આવ્યો છે જેમાં દરરોજ ત્રણ રાજ્યોમાંથી કોલસો ભરી ગુડસ ટ્રેન સેવાલિયા ખાતે આવે છે. ત્યારબાદ તે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે જઈ પ્લાન્ટમાં ખાલી થાય છે.
નિત્યક્રમ પ્રમાણે એક ગુડઝ ટ્રેન કોલસો ભરીને વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે ગઈ હતી જ્યાંથી કોલસો ખાલી કરીને પરત આવી રહી હતી તે સમયે સાંગોલ બ્રિજની નીચેથી પસાર થતાં ટ્રેક પર આ ટ્રેનના ત્રણ ડબ્બા ખડી પડયા હતા
જે અંગેની જાણ રેલવેના અધિકારીઓ અને પાવર સ્ટેશનના અધિકારીઓને થતાં તેઓ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રેનના બન્ને ભાગ એકબીજાથી એવી રીતે વિખુટા પડી ગયા હોવાથી ભારે આશ્ચર્ય સર્જાયું હતું. આ ડબ્બા કોન ભૂલના કારણે ખડી પડયા છે તે પણ એક તપાસનો વિષય છે. કોલસો ભરીને જતી વખતે આ ઘટના બની હોય તો લાખ્ખો રૂપિયાનું કોલસાનું નુકસાન થયું હોત
પણ કોલસો ખાલી કરીને પરત આવતી વખતે આ ઘટના બની હોવાથી મોટું નુકસાન ટળી ગયું હતું જ્યારે આ ઘટનાને લઈને રેલવેના અધિકારીઓ દ્વારા આ સમગ્ર બાબતે તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે.
જ્યારે સ્થળ પર જે ગુડસ ટ્રેનના ડબ્બા ખડી પડયા છે તેનું દુરસ્તી કરણ કરવાની કામગીરી શરૂ કરી છે. થર્મલ પાવર સ્ટેશન ખાતે રોજની પાંચ ગાડી કોલસો ખાલી કરવામાં આવે છે. આ કોલસો છત્તીસગઢ, મહારાષ્ટ્ર, અદાણી પોર્ટ, ગોધરા, ટીંબા રોડ, સેવાલિયાથી આવે છે.