સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પેસ આઉટરીચ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો
ગુજકોસ્ટ 12-દિવસના એક્સ્ટ્રાવેગેન્ઝા સાથે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરી
ભારતે 23 ઓગસ્ટ, 2024ના રોજ ગર્વથી તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવ્યો, જે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જે અવકાશ સંશોધનમાં ઐતિહાસિક સિદ્ધિને યાદ કરે છે. આ દિવસ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 ના સોફ્ટ-લેન્ડિંગની પ્રથમ વર્ષગાંઠની યાદમાં ઉજવાય છે, એક સિદ્ધિ જેણે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મોખરે ભારતનું સ્થાન મજબૂત કર્યું છે.
ચંદ્રયાન-3 મિશનની અસાધારણ સિદ્ધિને માન આપવા માટે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેણે 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ-લેન્ડિંગ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ અદ્ભુત સિદ્ધિએ માત્ર અવકાશ સંશોધનમાં ભારતની અદ્યતન ક્ષમતાઓ જ દર્શાવી ન હતી, પરંતુ ચંદ્રનો દક્ષિણ ધ્રુવ પ્રદેશ કે જે ચંદ્ર સંશોધન માટે અત્યંત રસ ધરાવતું સ્થળ છે ત્યા ઉતરાણ કરીને ભારતે અભૂતપૂર્વ વૈજ્ઞાનિક સિધ્ધિ મેળવી હતી.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત છે તે અત્યંત ગર્વથી રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીના 12-દિવસીય કાર્યક્રમો જે 12 ઓગસ્ટ, 2024 ના રોજ ડૉ. વિક્રમ એ. સારાભાઈની જન્મજયંતિથી શરૂ થઇને આજ રોજ પાટણ , ભુજ , ભાવનગર અને રાજકોટ સ્થિત GUJCOST ના ચાર પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs) અને ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં તેના સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રો (CSCs)ના નેટવર્ક પર યોજાયેલા ભવ્ય ઊજવણી સાથે સમાપન થયુ હતું.
રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી, જેમાં અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના અજાયબીઓ વિશે યુવા પઢીને પ્રેરણા આપવા અને શિક્ષિત કરવાના હેતુથી આકર્ષક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓમાં ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, માહિતીપ્રદ લેક્ચર્સ, હેન્ડ-ઓન વર્કશોપ્સ અને લાઇવ ડેમોસ્ટ્રેશનનો સમાવેશ થાય છે, જે તમામ અવકાશ સંશોધન અને ભારતીય વૈજ્ઞાનિકોના યોગદાનને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે.
પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર- ભુજ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ડે ટાઇમ એસ્ટ્રોનોમી, હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ, પ્રાચીન ખગોળશાસ્ત્રીય સાધનોનું પ્રદર્શન, અવકાશ દિવસની થીમ પર ચિત્ર અને મોડેલનું પ્રદર્શન અને શ્રી નરેશભાઈ ભટ્ટ (વૈજ્ઞાનિક SG, SAC-ISRO) દ્વારા જ્ઞાનવર્ધક નિષ્ણાત વાર્તાલાપ દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 4 જુદી જુદી શાળાઓના 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર-રાજકોટે અવકાશને લગતી ઘણી બધી પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ સાથે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરી જ્યાં શ્રી નિલેશ મકવાણા , વૈજ્ઞાનિક અને એન્જિનિયર, SAC-ISRO, અમદાવાદએ અવકાશ સંશોધન અને ભારતની સિદ્ધિઓ પર પ્રેરણાદાયી વાર્તાલાપ આપ્યો. 150 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સત્રમાં હાજરી આપી હતી. સ્પેસ મોડેલ મેકિંગ એક્ઝિબિશન અને કોમ્પિટિશન, ડ્રોઈંગ એક્ઝિબિશન, પેપર રોકેટ મેકિંગ એક્ટિવિટી, ટેલિસ્કોપ ઓબ્ઝર્વેશન એક્ટિવિટી, રોવર ડેમોન્સ્ટ્રેશન વગેરે સહિત વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી. નેશનલ સ્પેસ ડેની ઉજવણીની પ્રવૃત્તિઓમાં 524 થી વધુ મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ આરએસસી ભાવનગર ખાતે સ્પેસ ઓરિગામિ, હાઇડ્રો-પ્રોપેલ્ડ રોકેટ ડેમો, સ્પેસ ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, સાયન્ટિફિક મૂવી સ્ક્રીનીંગ વગેરે જેવી પ્રવૃતિઓ સાથે ઉજવવામાં આવ્યો હતો. શ્રી હર્શ ત્રિવેદી, વૈજ્ઞાનિક, SAC-ISRO અમદાવાદ દ્વારા જ્ઞાનવર્ધક નિષ્ણાત વાર્તાલાપ યોજાયો, જેમાં તેમણે ચંદ્રયાન અને ગગનયાન કાર્યક્રમો વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર અને નજીકના જિલ્લાઓમાંથી 400 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય મુલાકાતીઓએ ભાગ લીધો હતો.
પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. શ્રી ભગીરથ માંકડ, ભૂતપૂર્વ વૈજ્ઞાનિક, SAC-ISRO દ્વારા નિષ્ણાત વિજ્ઞાન વાર્તાલાપ તમામ સહભાગીઓ માટે જ્ઞાનને સમૃદ્ધ કરનારી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના 6 જિલ્લાના 508 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં, CSC એ લોકપ્રિય વિજ્ઞાન વાર્તાલાપ, મોડેલ રોકેટરી વર્કશોપ જેવા કાર્યક્રમો અને અનેક પ્રવૃત્તિઓની શ્રેણીનું આયોજન કર્યું હતું. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં અવકાશ વિજ્ઞાનની વધુ સમજણ અને અવકાશ વિજ્ઞાન વિષે રુચિ કેળવવાનો હતો .
આ કાર્યક્રમ સ્પેસ એપ્લીકેશન સેન્ટર – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (SAC-ISRO), ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE), નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર; ઉચ્ચ શિક્ષણ કમિશનરેટ (CHE) અને DD-GIRNAR ના સહયોગથી યોજવામાં આવ્યો હતો.
આ 12 દિવસ દરમિયાન, ગુજકોસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઘણી સંસ્થાઓ અને શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વિદ્યાલય નં-1, ગાંધીનગર ખાતે ભારતીય અવકાશ કાર્યક્રમોના પિતા- ડૉ. વિક્રમ એ. સારાભાઈની 105મી જન્મજયંતિ નિમિત્તે- ઉદ્દઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ મુખ્ય કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં આયોજિત રાષ્ટ્રીય અવકાશ દિવસની 12-દિવસીય લાંબી ઉજવણી દરમિયાન 1,00,000 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પેસ આઉટરીચ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે.
રાષ્ટ્રીય અવકાશ દિવસ એ માત્ર એક ઐતિહાસિક મિશનની ઉજવણી નથી પરંતુ અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીને આગળ વધારવા માટે ભારતની સતત પ્રતિબદ્ધતા પણ છે. આ દિવસ સંશોધન અને નવીનતાની ભાવનાનું પ્રતીક છે જે ભારતના અવકાશ કાર્યક્રમને ઉર્જા આપે છે અને ભવિષ્યની પેઢીઓ માટે નવી ઊંચાઈઓ સુધી પહોંચવાનું ચાલુ રાખવા માટે પ્રેરણા આપે છે.