ધોધમાર વરસાદે રાજકોટનો લોકમેળો ધોઈ નાખ્યો
સૌરાટ્ર- દ.ગુજરાતમાં ભારે વરસાદ: વાપીમાં ૧પ ઈંચ: વલસાડ જળમગ્ન
(એજન્સી)વાપી, પારડીઅને કપરાડા તાલુકામાં ૧૨-૧૨ ઇંચ વરસાદ નોંધાયો હતો, ધરમપુરમાં ૯ ઇંચ, વલસાડમાં ૮ ઇંચ વરસાદ પડ્યો છે. વાપીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
૩૬ કલાકમાં ૧૫ ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવોપડી રહ્યો છે. દરિયો તોફાની બનતા ગુજરાત પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. છેલ્લાં ૨૪ કલાકથી ગુજરાતમાં અનરાધાર વરસી રહ્યો છે વરસાદ. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ૩૨૬ મી.મી. વલસાડના વાપીમાં નોંધાયો છે.
વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. વાપી જીઆઇડીસી વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. કેટલીક કંપની પરિસરોમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની માહિતી છે. જીઆઇડીસી વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો પણ ખોટવાયા છે.
સતત વરસાદની હેલીને કારણે જનજીવન સાથે જીઆઇડીસીમાં ઉદ્યોગોને પણ અસર પહોંચી છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જીઆઇડીસીમાં પાણી ભરાતા વાહનચાલકો રાહદારીઓ સાથે કંપની સંચાલકો અને કામદારો પણ પરેશાન થઈ ચૂક્યા છે.
વલસાડ જિલ્લાના તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે. ઔરંગા, દમણગંગા, કોલક નદી તોફાની સ્વરૂપે જોવા મળી છે. આજે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરોમાં ફાસાયા છે. બરૂડિયા વાળ, કાશ્મીર નગરમાં પાણી ભરાયા છે. વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવાની કામગીરી કરાઈ રહી છે.
વલસાડ પ્રાંત અધિકારી, એનડીઆરએફની ટીમે ૧૫૦થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે. વલસાડના વહીવટી તંત્ર અલગ અલગ ટીમો સાથે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે જીડ્ઢઇહ્લ-દ્ગડ્ઢઇહ્લ ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે.
મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી.
હાલ ગુજરાત પર તોળાઈ રહ્યું છે પૂરના પ્રકોપનું સંકટ. દરમિયાન રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતમાં જણાવવામાં આવ્યું છે કે આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૬૪ મી.મી. થયો છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.
રાજકોટમાં આજે સવારથી શરૂ થયેલા અચાનક ધોધમાર વરસાદે શહેરના વાર્ષિક લોકમેળાને અસર કરી છે. આ અણધારી કુદરતી ઘટનાએ મેળાના આયોજકો અને વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વરસાદના કારણે મેળાના મેદાનમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે.
આ ઉપરાંત, મોટાભાગના વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. મેળામાં સ્ટોલ ધરાવતા એક વેપારીઓનું કહેવું છે કે, અમે આ મેળા માટે ઘણી તૈયારીઓ કરી હતી, પરંતુ આ વરસાદે બધું બગાડી નાખ્યું છે. લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે અમારો વેપાર ખૂબ જ પ્રભાવિત થયો છે.
સામાન્ય રીતે આ સમયે મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ આજે માત્ર મુઠ્ઠીભર લોકો જ જોવા મળ્યા છે રાજકોટમાં ચાલી રહેલા લોકમેળા દરમિયાન અચાનક આવેલા ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, વરસાદના કારણે મેળાના મેદાનમાં પાણી ભરાઈ ગયું છે. અમે વરસાદ અટકે કે તરત જ મેળામાંથી પાણીનો નિકાલ કરવા માટે આદેશ આપ્યા છે. તેમણે ઉમેર્યું કે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોને મેળાના ગ્રાઉન્ડમાં મોરમ અને કપચી પાથરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી લોકોને ચાલવામાં સરળતા રહે.
તંત્ર આગામી સમયમાં લોકમેળાના દિવસો વધારવા અંગે વિચારણા કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. રાહતની વાત એ છે કે જિલ્લામાં હાલ કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. જો કે, શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલો છે.
ભારે વરસાદને કારણે વલસાડની સ્થિતિ કપરી બની છે. નદીઓ ગાંડીતૂર બનતાં લોકોને ઘર છોડવાનો વારો આવી રહ્યો છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે. વલસાડના કલ્યાણવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. સોસાયટીના ઘરો પાણીમાં ડૂબ્યા છે.
મકાનોના પહેલા માળ સુધી પાણીમાં ડૂબેલા દેખાયા છે. કલ્યાણવાડી નદીના પાણી ફરી વળ્યા છે. આવામાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે.
ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ઔરંગા નદીના જળસ્તર વધ્યા છે. સતત પાણીની આવક વધતા નદી તોફાની બની છે. વલસાડમાં ઔરંગા નદીને લઈ પુરની સ્થિતિ સર્જાઇ છે. ઔરંગા નદી તોફાની બનતા પાણી ગામમાં ફરી વળ્યા છે.