ભરૂચમાં ખુલ્લી ગટરો માથાનો દુખાવો બની
ભરૂચ, ભરૂચમાં રસ્તા પરથી પસાર થવું હોય એટલે બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ખુલ્લી ગટર સલામત પસાર કરી જનારને જાણે જંગ જીતવા જેવો અહેસાસ થાય છે. તાજેતરમાં ભરૂચમાં ખુલ્લી ગટરમાં એક વ્યક્તિના ડૂબી જવાથી મૃત્યુ અને જંબુસરમાં મહિલાના ગટરમાં ખાબકવાની ઘટના બાદ પણ તંત્ર લાપરવાહ બની બેઠું છે.
ભરૂચના નવી વસાહત ગોળી રોડ પર ખુલ્લી ગટર અકસ્માતને આમંત્રણ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે.વરસાદ દરમિયાન ખુલ્લી ગટર વાહનચાલક અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભું કરે છે. ચીંગ્સપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી ગયા બાદ ધસમસતા પાણીમાં તણાઈ જવાથી યુવાનના મોતની ઘટના બાદ ભારે હંગામો થયો હતો.
આ ઘટના બાદ તંત્રએ પાલિકાના અધિકારીઓને કામગીરીના આદેશ આપ્યા હતા પણ હજુ ગટરો ખુલ્લી જ દેખાઇ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્રારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પાલિકાના અણધડ વહીવટને કારણે આવી ઘટનાઓ બની રહી છે.જંબુસરમાં મહિલા ખુલ્લી ગટરમાં ખાબકી હતી જેની ઉપર સ્થાનિકોની નજર પડી જતા મહિલાને બચાવી લેવાઈ હતી જોકે નસીબના જોરે વહીવટ ક્યાં સુખી સાંખી લેવો તે પ્રશ્ન વિપક્ષ ઉઠાઈ રહ્યું છે.