શહેરમાં ભારે વરસાદ પછી મ્યુ.કોર્પોની તમામ સિસ્ટમ તથા મશીનરી નિષ્ફળ સાબિત થયા
નગરજનોના ઘર તથા કોર્મશીયલ એકમો પાણીમાં ગરકાવ થયા છે. તથા નિચાણવાળા વિસ્તારમાં રહેતા નગરજનો અસરકારક રાહતની કામગીરી તાકીદે નહી થવાને કારણે નિઃસહાય હાલતમાં લાચાર જોવા મળ્યા છે. જે તંત્ર તથા સત્તાધારી પક્ષની નિષ્ક્રિયતા સાબિત કરે છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે રાત્રીના ભારે વરસાદ પછી મ્યુ.કોર્પોની તમામ સિસ્ટમ તથા મશીનરી નિષ્ફળ કેમ થઇ? રાત્રીના ભારે વરસાદ બાદના પાણી હજુ કેમ નથી ઉતર્યા? સવારના સમયે વરસાદ બંધ થઇ બાદ પણ મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ કેમ છે ? અન્ડર પાસમાં પાણી ઉલેચવા માટેના પંપો મુકવા છતાં અન્ડરપાસો કેમ બંધ કરવા પડયાં? સ્ટ્રોમ વોટર તથા ડ્રેનેજ લાઇનો કેમ પુરી ક્ષમતાથી કામ નથી કરતા? વરસાદ બંધ થયા બાદ કલાકોમાં પાણી ઉતરી જવાના પોકળ દાવા બાબતે શાસકો અને તંત્ર કેમ મુકપ્રેક્ષક બની જોઈ રહયા છે?
અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી ઉકેલ બાબતે રૂા.૩૦૦૦ કરોડની વર્લ્ડ બેંક પાસેથી લોન લેવામાં આવી છે.લોનની રકમમાંથી કામો થયા બાદ શહેરમાં વોટર લોંગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવા દાવા કરવામાં આવ્યા છે.
શહેરમાં અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં નગરજનોને સહાયરૂપ થવા કોંગ્રેસ પક્ષ દ્વારા ૭૭૭૯૦ ૭૪૭૧૯ નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. જેના પર નાગરિકો કોઈપણ મદદ માટે સંપર્ક કરી શકે છે. તેમજ ભારે વરસાદમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ફુડ પેકેટ તથા અન્ય સામગ્રીનું અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.