આયાતી કોંગ્રેસી આગેવાનને ચેરમેન બનાવતા ખેડબ્રહ્મા માર્કેટયાર્ડના ડીરેકટરે રાજીનામું આપ્યું
મોડાસા, સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારની ખેડબ્રહ્મા નગરપાલિકા એરીયાના માર્કેટ યાર્ડ કોંગ્રેસી ગોત્રના ડિરેકટર પટેલ હિરાભાઈ કે જેઓ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે.
તેઓને ભાજપના વર્ષો જુના ભાજપી નેતાની અવગણના કરી મુળ કોંગ્રેસી હિરાભાઈ પટેલને ભાજપ તરફથી માર્કેટ યાર્ડ ખેડબ્રહ્માના ચેરમેન પદનો મેન્ડેટ મળતા તેઓ ચેરમેન બનતા ભાજપમાં ઉહાપોહ સર્જાયો છે. માર્કેટ યાર્ડના સીનીયર ડિરેકટર અમરતભાઈ પટેલ એ ભાજપ તરફથી અન્યાય થતા જિલ્લા પંચાયતના સભ્યપદેથી રાજીનામું આપતા રાજકીય ફલક ઉપર ખળભળાટ મચી ગયો છે.
વળી અમરતભાઈ પટેલના સમર્થનમાં ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના ૭ સભ્યો ભાજપનાઓએ તાલુકા પંચાયતેના સભ્યપદેથી ભાજપ સંગઠનમાં રાજીનામા આપતા ભાજપની ડેમેજ કટ્રોલની કવાયત શરૂ થઈ ગઈ છે. અમરતભાઈ પટેલ સહિત તા.પં.ના સભ્યોને મનાવી રાજીનામા પાછાખેંચાવવા ભાજપના આગેવાન હોદ્દેદારોની એક બેઠક હિંમતનગર ખાતે મળી હતી.
તાલુકા પંચાયતના ૭ સભ્યોના રાજીનામા મંજુર થાય તો ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાંથી ભાજપની સત્તા જાય તેમ છે. ભાજપમાં નિષ્ઠાવાન કાર્યકરોની કદર થતી નથી તેનું પરિણામ છે ભાજપી કાર્યકરોની નારાજગી દુર કરવાના પ્રયાસ ચાલુ છે.