Western Times News

Gujarati News

મેજર ધ્યાનચંદે લીમડાના લાકડામાંથી હોકી બનાવી અને જૂના કપડામાંથી બોલ બનાવી કરી હતી હોકી રમવાની શરૂઆત

29 ઓગસ્ટ: રાષ્ટ્રીય રમતગમત દિવસ-મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય રમતગમત દિવસ

દેશમાં વિવિધ રમતોમાં રમતવીરોની ભાગીદારી વધારવાનો તેમજ લોકોમાં આરોગ્ય અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો રમતગમત દિવસ ઉજવણીનો ઉદ્દેશ

રમતગમતના વિકાસ માટે સરકાર દ્વારા ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમ કાર્યરત

આપણે સૌ દર વર્ષે હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઊજવીએ છીએ. પરંતુ શું આપણે જાણીએ છીએ મેજર ધ્યાનચંદના જન્મદિવસે જ કેમ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે? અને આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ચાલો જાણીએ.

ધ્યાનસિંહનો જન્મ 29 ઓગસ્ટ 1905માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા સોમેશ્વરસિંહ બ્રિટિશ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પણ હોકીની રમત રમતા હતા. તેમના પિતા આર્મીમાં હતા. ધ્યાનચંદ બાળપણમાં લીમડાના લાકડામાંથી હોકી બનાવતા અને જૂના કપડામાંથી બોલ બનાવતા હતા. 15 વર્ષની ઉંમરે ધ્યાનચંદ સેનામાં જોડાયા અને તેમને હોકી રમવાનું શરૂ કર્યું.

તેમનું મૂળનામ ધ્યાનસિંહ હતું, પરંતુ તેઓ રાત્રે માત્ર ચંદ્રના પ્રકાશમાં જ પ્રેક્ટિસ કરતા હતા, કારણ કે તે સમયે ભારતમાં ફ્લડલાઇટ ન હતી, જેથી તેમના સાથીઓએ તેમને ‘ચાંદ’ એટલે કે ચંદ્રનું હુલામણું નામ આપ્યું હતું.

નાની-મોટી રમતો રમીને તેમણે એમની આગવી ઓળખ બનાવી અને હોકીના વિઝાર્ડ તરીકે લોકો તેમણે ઓળખવા લાગ્યા. ધીરે-ધીરે ધ્યાનચંદ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે હોકી રમવા લાગ્યા.

તેમણે ભારત તરફથી ઓલમ્પિકમાં વર્ષ 1928 (એમસ્ટડર્મ), વર્ષ 1932 (લોસ એન્જેલસ) અને વર્ષ 1936 (બર્લિન)માં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેઓ 22 વર્ષ સુધી ભારત તરફથી હોકીની રમત રમ્યા અને 400થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ અર્જુન એવોર્ડ, મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ અને રમતના કોચને દ્રોણાચાર્ય એવોર્ડથી નવાજવામાં આવે છે.

મેજર ધ્યાનચંદે નિવૃત્તિ પછી પણ રમતમાં યોગદાન આપ્યું હતું. તેઓ થોડા સમય માટે પટિયાલામાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાં મુખ્ય કોચ હતા અને રાજસ્થાનમાં અનેક કોચિંગ કેમ્પમાં પણ શીખવતા હતા.

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લિંગ,વય અને રમતવીરની ક્ષમતાના ભેદભાવ વિના દેશભરમાં વિવિધ રમતોમાં રમતવીરોની ભાગીદારી વધારવાનો તેમજ લોકોમાં આરોગ્ય અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ વર્ષે Sport for the Promotion of Peaceful and Inclusive Societies (શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમાજના પ્રચાર માટે રમત) થીમ પર રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે ભારત દેશ રમતગમતની દુનિયામાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય રમતોનું આયોજન થઈ રહ્યું છે. વર્ષ 2014 પછી રમતગમત માળખાગત સુવિધા, પસંદગી પ્રક્રિયા, રમતવીરો માટે નાણાકીય સહાયની યોજનાઓ, તાલીમ યોજનાઓ વિકસી છે. જેના લીધે રમતગમત ક્ષેત્રે રુચિ ધરાવતા લોકોને આગળ વધારી શકાય. આ યોજનાઓ થકી આજે પરિવારજનોને પોતાના બાળકના રમતગમત ક્ષેત્રના વિકાસને લગતી માનસિકતામાં પણ પરિવર્તન આવ્યું છે. આજે રમતગમત ક્ષેત્રમાં એક પછી એક રમતગમતની ઇકોસિસ્ટમમાં અનેક અવરોધો દૂર થયા છે.

સરકારે પ્રતિભાની શોધથી લઈને ઓલિમ્પિક પોડિયમને હેન્ડહોલ્ડિંગ સુધીનો રોડમેપ તૈયાર કર્યો છે. દેશનું આ વર્ષનું રમતગમતનું બજેટ છેલ્લા 9 વર્ષ અગાઉનાં રમતગમતનાં બજેટ કરતાં ચાર ગણું વધારે છે. આજે ખેલો ઇન્ડિયા જેવી પહેલો નવી ઇકોસિસ્ટમ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી પ્રતિભાશાળી રમતવીરોને શોધી રહી છે. આજે TOPSમાં ટોચનાં રમતવીરોને દુનિયામાં શ્રેષ્ઠ તાલીમ મળે છે. સરકારની આવી વિશિષ્ટ યોજનાઓ થકી આજે ખેલાડીઓને દર વર્ષે 6 લાખની સ્કોલરશિપ મળી રહી છે. કોઈપણ દેશના રમતગમત ક્ષેત્રની પ્રગતિનો સીધો સંબંધ તેના અર્થતંત્રની પ્રગતિ સાથે છે. માટે વર્ષ 2036માં ઓલિમ્પિકના આયોજન અર્થે ભારત અને ગુજરાત સરકારેઅનેક તૈયારીઓ સાધી છે.

આપણી રાષ્ટ્રીય રમતો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક છે. ભારતનાં દરેક રાજ્ય માટે તેની સંભવિતતા પ્રદર્શિત કરવા  શ્રેષ્ઠ માધ્યમો જેવા કે ખેલો ઇન્ડિયા, ખેલ મહાકુંભ સરકાર દ્વારા કાર્યરત છે. ગુજરાતની વાત કરીએ તો, રમતગમત ક્ષેત્રે ગુજરાતે અનેક યોજનાઓ વિકસાવી છે અનેક સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓ તેમજ સંસ્થાઓ આજે કાર્યરત છે.

ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિથી ગુજરાત રાજ્યમાં વર્ષ 2010થી ‘ખેલ મહાકુંભ’ની શરૂઆત કરાઈ.

ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ મળે છે. તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS), શક્તિદૂત, સેન્ટર ઓફ એક્સેલન્સ (COE), ખેલ ગુજરાત સમર કોચિંગ કેમ્પ અને ઇન સ્કૂલ પ્રોગ્રામ જેવા પ્રોગ્રામ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કાર્યરત છે. ગુજરાતે આ વર્ષે રમતગમત ક્ષેત્રે 376 કરોડનું બજેટ ફાળવ્યું છે તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 122 કરોડનું બજેટ આપ્યું છે. સાથેજ મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર યોજનાઓ વિકસાવવામાં આવી છે.

આજે સમગ્ર ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ અને રમતગમત અકાદમીઓમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આજે સમગ્ર ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ અને રમતગમત અકાદમીઓ દ્વારા મેરેથોન, વોકથોન, હોકી, ફૂટબોલ, વોલીબોલ વગેરે જેવી વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને રમતગમત ક્ષેત્રે રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. મિતેષ સોલંકી, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.