ભારતીય કુસ્તી સંઘના તત્કાલિન પ્રમુખ બ્રિજભૂષણને હાઈકોર્ટનો ઝટકો
ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા ટોચના કુસ્તીબાજોની આગેવાનીમાં દેશના ૩૦ કુસ્તીબાજો ભારતીય કુસ્તી સંઘના તત્કાલિન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે હડતાળ પર ઉતર્યા હતા.
બ્રિજભૂષણ સિંહને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો -હાઈકોર્ટે બ્રિજભૂષણને પૂછ્યું કે, તેઓ તેમના પર લાગેલા આરોપો સામે આટલા મોડા કેમ કોર્ટમાં આવ્યા
નવી દિલ્હી, મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીના કેસમાં આરોપી બ્રિજ ભૂષણ સિંહને દિલ્હી હાઈકોર્ટ તરફથી આજે ગુરુવારે મોટો ઝટકો લાગ્યો છે. બ્રિજ ભૂષણ સિંહે તેમની સામે નોંધાયેલી હ્લૈંઇ, ચાર્જશીટ અને નીચલી અદાલત દ્વારા આરોપો ઘડવાના આદેશને રદ્દ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જોકે, હાલમાં તેમને દિલ્હી હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી.
દિલ્હી હાઈકોર્ટે બ્રિજભૂષણને પૂછ્યું કે, તેઓ તેમના પર લાગેલા આરોપો સામે આટલા મોડા કેમ કોર્ટમાં આવ્યા? અને તેમના વકીલને આ કેસમાં કોર્ટ સમક્ષ શોર્ટ નોટ રજૂ કરવા કહ્યું. અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણની અરજીની મેન્ટેનેબિલિટી પર સવાલ ઉઠાવ્યા હતા. હવે આ કેસની આગામી સુનાવણી ૨૬ સપ્ટેમ્બરે થશે.
બ્રિજભૂષણના વકીલે કહ્યું કે, આ કેસમાં છ ફરિયાદી છે, હ્લૈંઇ દાખલ કરવા પાછળ છુપાયેલ એજન્ડા છે. તમામ ઘટનાઓ અલગ-અલગ સમયે અલગ-અલગ જગ્યાએ બની છે. આ માત્ર એક ષડયંત્ર છે. જોકે, વકીલની દલીલો કોર્ટમાં કામ આવી નહીં અને તેમની સામેની સુનાવણી ચાલુ રહેશે. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા ટોચના કુસ્તીબાજોની આગેવાનીમાં દેશના ૩૦ કુસ્તીબાજો ભારતીય કુસ્તી સંઘના તત્કાલિન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે હડતાળ પર ઉતર્યા હતા.
કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર કુસ્તી સંઘને મનસ્વી રીતે ચલાવવા અને મહિલા કુસ્તીબાજો અને મહિલા કોચનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, કુસ્તીબાજો પૂછપરછ માટે સંમત થયા અને બ્રિજભૂષણને સંઘના કામથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું. ઓલિમ્પિક એસોસિએશનની સમિતિએ તપાસ હાથ ધરી હતી, પરંતુ તેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નહીં.
આવી સ્થિતિમાં, કુસ્તીબાજો જૂનમાં ફરી હડતાળ પર બેઠા. આ સમયગાળા દરમિયાન હડતાલ લાંબા સમય સુધી ચાલુ રહી અને ઘણી વખત કુસ્તીબાજોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. અંતે કુસ્તીબાજોએ તેમના મેડલ પણ પરત કર્યા હતા. બ્રિજ ભૂષણ સામે કેસ નોંધાયા બાદ વિરોધનો અંત આવ્યો. આ મામલે હજુ સુનાવણી ચાલી રહી છે. બ્રિજભૂષણનો કાર્યકાળ ગયા વર્ષે જ પૂરો થયો હતો. આવી સ્થિતિમાં તેઓ રેસલિંગ એસોસિએશનમાંથી ખસી ગયા છે.