Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સામે હાઇકોર્ટમાં છેલ્લા ૧૪ વર્ષમાં 215 જાહેરહિતની અરજી

ભ્રષ્ટ વહીવટથી ત્રસ્ત નાગરિકો ન્યાય માટે કોર્ટના શરણે જાય છેઃ શહેઝાદખાન પઠાણ

(પ્રતિનિધિ)અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં આવે છે તેના બદલામાં પ્રોપર્ટી ટેકસ વસુલ કરવામાં આવે છે. જેથી નગરજનોને પ્રાથમિક સુવિધા સારી રીતે આપવી તે તંત્ર તથા સત્તાધીશોની ફરજ બની જાય છે. પરંતુ વિકાસના નામે વિવિધ કામોમાં ગેરવહીવટ અને ભષ્ટ્રાચાર થાય છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષનાં શાસનમાં જુદાં જુદાં કાંડ, કૌભાંડ, અને ભ્રષ્ટાચાર સાવ સામાન્ય બાબત બની ગયા છે. જેને કારણે અમદાવાદ શહેરના નગરજનો તમામ પ્રકારના કરવેરા ભરે છે આમ છતાં એક પણ વિસ્તારમાં મ્યુ.કોર્પો.ની પ્રાથમિક સુવિધાઓ સારી રીતે પુરી પાડવામાં આવતી નથી તેથી ત્રસ્ત નાગરિકો કોર્ટનો સહારો લઈ રહ્યા છે જેના કારણે જ હાઇકોર્ટે માં છેલ્લા ૧૪ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ૨૦૦ કરતા પણ વધુ જાહેરહીતની અરજીઓ થઈ છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ ૨૦૧૦ થી સને ૨૦૨૪ સુધીમાં નગરજનો દ્વારા વિવિધ મુદ્દા ઉપર નામ હાઇકોર્ટમાં કુલ ૨૧૫ જાહેર હીતની અરજી કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે પ્રાથમિક સુવિધાઓ બાબતે ૧૧૫ અને એસ્ટેટ એન્ડ ટી.ડી.ઓ. વિભાગ સામે ૬૪ પી.આઈ.એલ. કરવામાં આવેલ છે જે બિસ્માર રોડ-રસ્તા, ર્પાકિંગ પોલીસી, રસ્તા પરના દબાણો, રોગચાળો, રખડતાં ઢોરો, પીવાનું પુરતું શુધ્ધ પાણી નહીં મળવા,

મનસ્વી રીતે ટી.પી. સ્કીમો મુકવા, ગેરકાયદેસર બાંધકામો થવા, ફાયર સેફટી, પ્રજાના જાનમાલની અસલામતી, વરસાદી પાણીનો ત્વરીત નિકાલ, જેવી મહત્વની પ્રજાહીતની વિવિધ ભાબતે જાહેરહિતની અરજીઓ કરવામાં આવી છે આટલી મોટી સંખ્યામાં મ્યુ.કોર્પો વિરુધ્ધ પી.આઈ.એલ. થાય છે જે ભાજપના નિષ્ફળ અને ભષ્ટ્રાચારી વહીવટનો સક્ષમ પુરાવો છે,

જે મ્યુ. વહીવટીતંત્ર તથા ભાજપના સત્તાધીશો માટે શરમજનક બાબત છે. મ્યુનિસિપલ વહીવટીતંત્ર તથા સત્તાધીશોના મનસ્વી અને મનમાની વલણના કારણે પ્રજાને અન્યાય થયાની લાગણી થાય ત્યારે નાછૂટકે કાર્ટનો સહારો લેવામાં આવે છે.જે માટે તંત્ર તથા ભાજપના સત્તાધીશો જ જવાબદાર છે જો સાચા અર્થમાં ખરો વિકાસ થયો હોય તો પ્રજાને શા માટે કોર્ટનો સહારો લેવો પડે ?

તે તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા ભાજપના સત્તાઘીશો માટે વિચારણા માંગી લે તેવી બાબત છે. ભા.જ.પા. દ્વારા “સૌનો સાથ સૌનો વિકાસ” નામે સત્તા મેળવી છે ત્યારે માત્ર મારો વિકાસ અને સૌનો વિનાશ કરવાની માનસિકતા કેળવી ભષ્ટ્રાચાર કરી રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. જેથી તંત્રના અધિકારીઓ તથા સત્તાધીશો દ્વારા પ્રજાની પીડા સાંભળી તેને નિષ્પક્ષ અને ન્યાયિક રીતે યોગ્ય ન્યાય મળે જેથી પ્રજાને નામ કોર્ટનો સહારો લેવાની જરૂર ના પડે તેવી વ્યવસ્થા તાકીદે ગોઠવવા કોંગ્રેસ પક્ષની માંગણી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.