રાજસ્થાનઃ ૧૨ વર્ષના પુત્રના મૃતદેહ માટે માતા-પિતા કોર્ટમાં પહોંચ્યાં
ઝુંઝનુ, રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના સુરજગઢ ગામમાં એક પતિ-પત્ની વચ્ચે એ હદે મનભેદ પેદા થયો હતો, એ પોતાના બાર વર્ષના પુત્રના મૃતદેહનો કબ્જો લેવા માટે ઝઘડી પડ્યા હતા. આ વાત એ હદે વકરી કે આખો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
સૌથી કરૂણ વાત એ છે કે, આ પ્રકારનો મામલો કોર્ટમાં પણ કદાચ પહેલીવાર આવ્યો હતો. એટલા માટે મામલાની સંવેદનશીલતા જોઈને જજે તાત્કાલિક સુનાવણી કરી અને પુત્રનો મૃતદેહ પિતાને સોંપવાનો આદેશ કર્યાે હતો. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ(એડીજે) બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી દોઢ કલાકમાં જ પોતાનો ચુકાદો આપી દીધો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે ખેતડીના ગાડરાટા ગામની રેખા શર્માના લગ્ન ચુરુ જિલ્લાના રાજગઢ તાલુકાના કિરતાન ગામના રહેવાસી અશોક શર્મા સાથે થયા હતા. લગ્નજીવનમાં તેમને બે પુત્ર થયા હતા. પરંતુ લગભગ આઠ વર્ષ પહેલા દંપતિ વચ્ચે વિવાદ પેદા થયો હતો અને છેવટે બંને અલગ રહેવા માંડ્યા હતા. પત્ની રેખા શર્મા બંને પુત્રોને લઈને પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી.
આ દરમિયાન, ૨૦૧૭માં અશોક શર્મા પોતાના બંને પુત્રને બળજબરીથી લેવા પહોંચી ગયા હતા. આ ઘટના પછી વિવાદ વધી ગયો હતો. ત્યાર પછી પોતાના બંને પુત્રોની કસ્ટડી લેવા માટે અશોક શર્માએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલો કોર્ટમાં આજેય પડતર છે.
રેખા અને અશો શર્માનો નાનો પુત્ર હર્ષિત(૧૨ વર્ષ) ૧૦ દિવસ પહેલા બીમાર પડી ગયો હતો. તેની સારવાર સૂરજગઢમાં કરાવવામાં આવી હતી, જ્યાં રેખાના મામાનું ઘર છે. પરંતુ તબિયત વધારે બગડી, જેના કારણે હર્ષિતને જયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો.
જોકે, જયપુરમાં જેકે લોન હોસ્પિટલમાં તેની પાંચ દિવસ સુધી સારવાર ચાલી હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. પરંતુ માતા-પિતાની વચ્ચે પોતાના પુત્રના મોત પછી પણ વિવાદ ખતમ થયો નહીં. હર્ષિતના મોત પછી પિતા અશોક શર્માએ પોતાના પુત્રનો મૃતદેહ લેવા માટે કોર્ટમાં જવું પડ્યું હતું.
આ મામલામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે ફક્ત દોઢ કલાકમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. જજે પોલીસને આદેશ આપ્યો કે બાળકનો મૃતદેહ તેના પિતાને સોંપવામાં આવે. ત્યાર પછી પોલીસે મેડિકલ બોર્ડ પાસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને પછી મૃતદેહ પિતાને સોંપ્યો હતો. ત્યાર પછી હર્ષિતની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. જોકે આ ઘટના હાલમાં ચર્ચાની ચકડોળે છે.SS1MS