Western Times News

Gujarati News

પોઈચા સ્વામીનારાયણ મંદિરના ૫૦ સેવકો ફૂડ પેકેટ બનાવવાના માનવસેવા સેવા કાર્યમાં જોતરાયા

“પોઈચાના ફૂડ પેકેટ વડોદરાના પુર અસરગ્રસ્તોને પહોંચ્યા”- નિલકંઠ ધામ પોઈચા દ્વારા વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરી વડોદરા મોકલ્યા

નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને સંસ્થાન દ્વારા રોજિંદા ૨૫૦૦ જેટલાં ફૂડ પેકેડ તૈયાર કરી મોકલવામાં આવી રહ્યાં છે

રાજપીપલા, ગુરૂવાર :- વડોદરામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની પરિસ્થિતિને ધ્યાને લઈને પુર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા માટે નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નિલકંઠધામ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ ફુટ પેકેટ વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે.

આ સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની રાહબરીમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ અને ઈન્ચાર્જ પુરવઠા અધિકારીશ્રી એન.એફ.વસાવાના સંકલન અને સહકારથી પુરગ્રસ્તોને ફૂડપેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા કરવામાં આવી રહી છે.

નિલકંઠધામ પોઈચાના સ્વામીશ્રી કૈવલ્યસ્વરૂપ દાસજીના માર્ગદર્શન અને શ્રી ધર્મસંભવદાસ સ્વામીની નિગરાનીમાં સંસ્થાના ૫૦ જેટલાં સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને વડોદરા સુધી પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે. માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં છાત્રો પણ સ્વયંભુ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

નર્મદા જિલ્લામાં ભક્તિધામ અને પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલું નિલકંઠધામ જિલ્લામાં કે જિલ્લા બહાર કોઈપણ પ્રકારની આફત આવી પડે ત્યારે નાગરિકોને મદદરૂપ થવા માટે હર હંમેશ આગળ આવે છે. ત્યારે હાલના સંજોગોમાં વડોદરા શહેરમાં ઉદભવેલી ભારે વરસાદની પરિસ્થિતિમાં નિલકંઠધામ પોઈચા દ્વારા રોજીંદા ૨૫૦૦ જેટલાં ફૂડ પેકેડ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભા કરાયેલા રાહત સેવા કેન્દ્ર ખાતે નિલકંઠધામ પોઈચા દ્વારા પહોંચતા કરવામાં આવે છે.

નિલકંઠધામ પોઈચાના સાધુ શ્રીજી ચરણદાસજીએ જણાવ્યું કે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજસેવાનું કાર્ય કરી રહ્યું છે. જ્યારે પણ આપત્તિનો સમય આવે ત્યારે સંસ્થા સૌથી પહેલા મદદે પહોંચી જાય છે. ત્યારે વડોદરામાં થયેલી અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે. જેથી નિલકંઠધામ દ્વારા અહીંયા જ ફૂટ પેકેટ બનાવી અને સરકારની વિવિધ સમિતિઓ સાથે મળીને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટેનો પ્રયાસ કર્યો છે.

નિલકંઠધામ પોઇચા કેવળ ધાર્મિક નહિં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા તમામ ક્ષેત્રે અગ્રેસર રહી છે. આ સેવા કાર્ય જ્યાં સુધી વહીવટી તંત્રને જરૂર હશે ત્યાં સુધી ચાલુ જ રહેશે તેવી ખાતરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.