Western Times News

Gujarati News

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયાનો વધારો

પ્રતિકાત્મક

ઘરેલુ ગેસનો ભાવ યથાવતઃ મહિનાની શરૂઆતમાં જ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરાયો

(એજન્સી)નવી દિલ્હી,સપ્ટેમ્બર મહિનાના પહેલા જ દિવસથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, ઘર વપરાશ માટેના ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે મહિનાની શરૂઆતમાં જ વહેલી સવારે એલપીજી ગેસ સિલિન્ડર પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બરમાં ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

આ વખતે ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જ ફેરફાર કરાયો છે. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ૩૯ રૂપિયા મોંઘું થઈ ગયું છે. આઈઓસીની વેબસાઈટ પર આપેલી માહિતી પ્રમાણે દિલ્હીથી મુંબઈ સુધીના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમતો ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૬ વાગ્યાથી લાગુ કરવામાં આવી છે.

નવા ફેરફાર બાદ હવે નવી દિલ્હીમાં ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ૧૬૫૨.૫૦ રૂપિયાથી વધીને ૧૬૯૧.૫૦ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે આ શહેરમાં સિલિન્ડર દીઠ ૩૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ હવે ૧૭૬૪.૫૦ રૂપિયાથી વધીને ૧૮૦૨.૫૦ રૂપિયા થઈ ગયો છે. એટલે કે કોલકાતામાં ગેસ ૩૮ રૂપિયા મોંઘો થયો છે.

આ અગાઉ ૧ જુલાઈના રોજ બિઝનેસ અને વ્યાપારી સાહસોને રાહત આપવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. પહેલી જુલાઈએ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક ભાવ વધીને ૧૬૪૬ રૂપિયા થઈ ગયો હતો. ૧ જૂને દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૬૯.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, તેથી રિટેલ પ્રાઈસ ઘટીને ૧૬૭૬ રૂપિયા થઈ ગઈ હતી. તેવી જ રીતે ૧ મે ૨૦૨૪ના રોજ સિલિન્ડર દીઠ ૧૯ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવને આંતરરાષ્ટ્રીય ભાવની સાથે એડજસ્ટ કરવામાં આવે છે. તેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ, કરવેરા, પુરવઠા-માગની ગતિશીલતા વગેરેને ધ્યાનમાં રાખવામાં આવે છે અને તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરના ભાવ ફેરફારો પાછળના ચોક્કસ કારણો જાહેર કરવામાં આવ્યા નથી.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓ અને બજારોને ધ્યાનમાં રાખતી હોય છે. પરંતુ ઘણા સમયથી ઘરેલુ ગેસના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો નથી. ઘરેલું ગેસનો ભાવ યથાવત રહેતા મધ્ય વર્ગના નાગરિકોને હાશકારો થયો છે. ખાસ કરીને હવે તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે શાકભાજી સહિતના ભાવમાં આસમાને પહોંચ્યા છે.

જેનો માર નાગરિકો સહન કરી રહ્યા છે ત્યારે સરકારે ઘરેલું ગેસનો ભાવ નહીં વધારતાં નાગરિકોએ હાશ અનુભવી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં ખાદ્ય પદાર્થોના ભાવ વધવાની આશંકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.