જેના જીવનમાં કોઈ ધ્યેય હોય અને તે માટે જે સુખ દુઃખ સહન કરવા પડે તેને તપ કહેવાય
કેવું તપ પ્રભુને ગમે ?
તપનો અર્થ શું ? જેના જીવનમાં કંઈ ધ્યેય હોય અને તેના માટે જે સુખ દુઃખ સહન કરવા પડે તેને તપ કહેવાય. ધ્યેયનિષ્ઠ જીવન હોય તો જ તપ થાય કંઈ ખાય નહિ, તડકામાં લાંબો સમય ઊભો રહે, પાણીમાં ઊભો રહે. આ તપ નથી.
જીવનમાં કંઈ ચોક્કસ ધ્યેય રાખીને તેના માટે સુખદુઃખ સહન કરે તે તપસ્વી છે, તે તપ છે – તપોદ્વંદ્વ સહનમ્?જે સંસ્કૃતિ માટે, ધર્મ માટે શાશ્વત નૈતિક મૂલ્યોને માટે ઋષિ પરંપરાને આગળ ધપાવવા માટે સમજદારી પૂર્વક ભાવપૂર્ણ બની સામે ચાલીને હસતા મુખે ઉપાડેલી અગવડો અને દુઃખોને તપ કહે છે –
આવી પડેલા દુઃખો જુદા અને સમજીને સંસ્કૃતિ માટે ઉપાડેલા દુઃખો જુદા આવી પડેલા દુઃખો તો બધા જ ઉપાડે છે, પણ કંઈ જીવનમાં ધ્યેય માટે ઉપાડેલા દુઃખોની સુગંધ જુદી છે તે માટે આપણે સીતાને જોઈશું કે જ્યારે રામ-સીતા લક્ષ્મણ દંડકારણ્યમાં પર્ણફૂટી બાંધી રહેતાં હતાં ત્યારે માયાવી મારીચ રાક્ષસ સોનાનું મૃગ બની આવેલો રામ તેની પાછળ જાય છે.
મારીચ અવાજ સંભાળાવે છે, લક્ષ્મણ ધાજો ધાજો રામના ગાઢ પ્રેમમાં સીતા આ શબ્દો સાંભળતાં લક્ષ્મણને તુરત રામની મદદે જવા કહે છે, લક્ષ્મણ સીતાને કહે છે માતા તુલ્ય ભાભી રામને ત્રણ લોકમાં પણ કોઈ સંકટમાં મૂકી શકે તેમ નથી.
સીતાની અતિસ્નેહમાં, દુઃખમાં તેની બુદ્ધિ કુંઠીત થઈ જાય છે અને લક્ષ્મણને ન બોલવા જેવું બોલે છે. કહે છે હે, લક્ષ્મણ રામ વિના હું બળી મરીશ પણ કોઈના હાથમાં નહિ આવું-લક્ષ્મણ હવે સીતા સામે દલીલ ન કરી શક્યો ત્યારે એક ધનુષ્યની રેખા પર્ણકુટી ફરતે દોરીને કહ્યું, ‘હે સીતે હું જાઉં છું, પણ આ ધનુષ્ય રેખાની બહાર તમે નીકળતા નહિ. કહીને લક્ષ્મણ જાય છે તે ટાઈમે રાવણ સંન્યાસી વેશે સીતાને ઉપાડી લઈ જવા માટે આવે છે.
‘ભીક્ષાન્ન દેહી’ કહીને ઊભો રહે છે, પણ રેખાની અંદર જતા તેને સીતા માતા લાગે છે, રેખાની બહાર નીકળે છે તો જ તેને વિકૃત વિચારો આવે છે તેથી રેખાની બહાર જ ઉભો રહે છે સીતા રેખાની અંદર જ ભીક્ષા આપવા ઊભી છે. સન્યાસીના રૂપે રાવણ રેખાની અંદર આવતો નથી.
સીતાને તેની કુટીલ વૃત્તિ સમજાણી છે. લક્ષ્મણ ખરું જ કહેતા હતા સંકટ ઉભુ થવાનું જ છે. આ સંન્યાસી કોઈ છળ કપટી જ હશે પણ હું જો ભીક્ષા ન આપું તો તે પણ ચાલે નહિ કારણ હું રઘુકુળ વંશની પુત્રવધુ છું, રઘુવંશની પરંપરામાં તેના દ્વારથી કોઈ ભિક્ષુક ખાલી હાથે ગયો નથી.
આથી આ પરંપરા હું તોડી ન શકું. મારા વૈયક્તિક દુઃખ સામે કુળની પરંપરા શ્રેષ્ઠ છે તેની સામે ભલે મારું વૈયકિતક હવન થાય. આવું સમજી તેને રઘુકુળની પુત્રવધુ તરીકેનું ગૌરવ વધાર્યું છે, અને કુળ પરંપરાની શાન વધારી છે. ભીક્ષા આપીને પોતે હોમાણી છે, સમજીને ધ્યેય માટે, પરંપરા માટે અગવડ અને દુઃખને સ્વીકાર્યું છે. રાવણ તેને ઉપાડી ગયો છે
આ સીતા તપસ્વી છે- લક્ષ્મણે દોરેલી રેખાની અંદર રામની પર્ણફુટી આજુબાજુ એટલા સાત્વિક પરમાણુનું વાતાવરણ હતું કે રાવણ જેવા દુષ્ટ માણસનું પણ ભેજું બદલાઈ જતું. આવા પવિત્ર વાતાવરણ માટે મંદિરો છે.-ઘરના ભોગી ધંધામાંના રજોગુણી વાતાવરણથી થોડો ટાઈમ મંદિરના પવિત્ર વાતાવરણ માટે રાખવો જોઈએ. તે માટે મંદિરમાં મસ્જિદની શાંતિ, ચર્ચની ભવ્યતા અને મંદિરનો ભાવ આવા મંદિરોમાં જ પ્રભુની દિવ્યતાના સ્પંદનો મળે.
સીતા યુવતીઓ માટે આદર્શ બની છે. આજની યુવતીઓએ પ્રેરણા લેવાની છે કે હુ ફકત મારા પતિ જોડે જ નથી જોડાતી પણ પતિના આખાયે કુટુંબ જોડે મારે જોડાવાનું છે એટલું જ નહિ પતિના કુળની પરંપરા માટે પણ સમય આવે તો ભોગ આપવાનો જ હોય, લગ્ન વખતે માંયરામાં છેલ્લે ‘લાજો હોમ વિધિ’ છે તેમાં છોકરીનો ભાઈ, જવ તલ બહેનના હાથમાં આપે છે તેને તેમ કહેવાનું છે કે
હું અગ્નિસાક્ષીએ મારા કુળમાંથી ગોત્રમાંથી તને છૂટી કરું છું. છોકરી તે સ્વીકારી જવ-તલ લઈ પોતાના પતિના હાથમાં આપે છે, કહે છે કે, હું પિતા ગોત્રમાંથી છુટી થઈ છું. તમારા ગોત્રમાં મને સ્વીકારો. પતિ જવ-તલ લઈ સંમતિ આપે છે. પોતાના કુળમાં ગોત્રમાં સ્વીકારી લઈ અને અગ્નિમાં તે કબુલાત રૂપે હોમે છે અને અગ્નિ બ્રાહ્મણની સાક્ષીએ આ કુળ ગોત્રનો બદલ થાય છે. તેથી જ પત્ની બન્યા પછી તે સ્ત્રીને પિયરનું કોઈ મરણ થાય તો સુતક લાગતુ નથી તેને તેના સાસરિયાનું જ સુતક લાગે છે તેથી સ્ત્રીએ લગ્ન પહેલાં વિચારવું જોઈએ હું કયા ગોત્રમાં કયા કુળમાં કેવા ઘરમાં જાઉં છું
કારણ તેને તેમાં સમર્પણ થવાનું છે ભળી જવાનું છે જેમ દૂધમાં સાકર ભળે છે તો તેનું અસ્થિત્વ મટી જાય છે અને ત્યારે જ દુધનું ગળપણ વધે છે સ્ત્રી સ્વતંત્રતા, સ્ત્રી સમાનતા અને સ્ત્રી સમાન હક્કના ખોખલા વિચારો ખોખલા કાનુનોમાં જીવન ન બગાડવું. એ વિચારો શ્યામવાદી, નિરિશ્વરીવાદી બુદ્દિ ગમ્ય નથી. આપણી વૈદિક સંસ્કૃતિમાં જ જીવનનો સર્વાંગીણ વિકાસ છે તેના માટે કોઈ વખત જોઈશું , સીતા આપણો આદર્શ બને સીતાએ પોતાના વૈયકિતક જીવનને કુળ માટે ગોત્ર માટે હવન કર્યું સાચે જ. સીતા તપસ્વી છે
જીવનમા ધ્યેય હોય તો જ દુઃખો સામે માણસ ટકી શકે લડી શકે ધ્યેય વગરના જીવનો દિશા શૂન્ય થયા છે શઢ વગરના નાવની જેમ કયાં ટકરાય ને તૂટી જાય તે નક્કી નહિ – જીવનમાં ધ્યેય હોય તો તપ આવે. હરીશ્ચંદ્ર-તારામતીએ ધ્યેય માટે દુઃખ ઉપાડ્યું. અભિમન્યુ, પ્રહ્લાદ, જટાયુ, હનુમાન વગેરના જીવનો ધ્યેય યુકત હતા અને તેના માટે જે દુઃખો ઉપાડ્યા સમજદારી પૂર્વક તેનું નામ તપછે, તપ જ માણસને પવિત્ર કરે છે,
આજે સંસ્કૃતિ માટે સંસ્કાર માટે જે લોકો મહિનામાં એક દિવસ પોતાનો ધંધો ઘર બીજુ છોડીને રામાયણ-મહાભારત ગીતા ઉપનિષદની વાતો કરવા સાંભળવા ભાવ વિચારો આપવા લેવા માટે ભક્તિની બેઠકથી ગામડે જાય છે તેમાં લોક જીવન. સમાજજીવન ઈશ્વર સન્મુખ થાય છે.
ત્રિકાલ સંધ્યા કુટુંબ પ્રાર્થના જેવા સંસ્કારોના વિચારોની આપલે થાય છે જીવન ઘડતર પણ થાય છે આવું કામ કરનાર પોતાના ખર્ચે જોખમે જનારને કંઈ અગવડો, દુઃખો, અપમાનો પણ સહન કરવાના હોય છે પણ તે બધુ તે લોકો પ્રભુ પ્રેમ, સંસ્કૃતિ, પ્રેમ, ખાતર સમજદારી પૂર્વક સામે ચાલીને હસતા મુખે ઉપાડે છે આને સાચા અર્થનું તપ કહેવાય. આવું તપ કરનારને પ્રભુ જ પીઠબળ આપે છે. તેવું તપ આપણે સહુ કરીશું તો પ્રભુને જરૂર ગમીશુ.