Western Times News

Gujarati News

લાંભા ભમ્મરિયાથી વટવાને જોડતા 100 ફૂટ રોડ પર મિલ્કત ખરીદનાર લોકોમાં ફસાયા હોવાની લાગણી

રોડ બન્યા બાદ બિલ્ડરોએ કરેલા ચો. વાર દીઠ 5 થી 7 હજાર નો ભાવ વધારો કર્યો હતો: હાઇવે ઓથોરિટીએ પૂજા ફાર્મ પાસે કટ બંધ કરતા  બિલ્ડરોએ  ડિસ્કાઉન્ટ જાહેર કર્યા છતા ખરીદનાર નુકશાનીમાં જ : અભિપ્રાય

( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસિટી અમદાવાદમાં એસ.પી.રિંગ રોડ ફરતે મોટાપાયે રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ થઈ રહયા છે. મ્યુનિસિપલ શાસકો અને વહીવટીતંત્ર દ્વારા નવા થઈ રહેલા બાંધકામ નજીક બિલ્ડરલક્ષી વિકાસ કરવામાં આવે છે પરંતુ કયારેક આ કથિત વિકાસના નામે બિલ્ડરો ઘ્વારા રાતોરાત પ્રોપર્ટી ના ભાવમાં અસામાન્ય વધારો કરવામાં આવે છે.

અને આ કથિત વિકાસ જોઈને મિલ્કત ખરીદનારા લોકોને પણ થોડા સમયમાં જ છેતરાઈ જવાનો અહેસાસ થાય છે. શહેરના લાંભા- વટવા 100 ફિટ રોડ પર મિલ્કતો ખરીદનાર લોકો પણ આવી જ લાગણી અનુભવી રહ્યા છે.

શહેરના એસ.પી.રિંગ રોડ અસલાલી સર્કલ નજીક આવેલા લાંભા, નારોલ અને વટવા વિસ્તારમાં છેલ્લા એક દાયકા દરમ્યાન ખૂબ જ મોટા પાયે બાંધકામ થયા છે. મધ્યમ વર્ગને પોષાય તેવા ભાવ હોવાથી નાગરિકો આ વિસ્તારમાં મકાન ખરીદ કરી રહ્યા હતા. પરંતુ છેલ્લા 6 થી 8 મહિનામાં લાંભા- વટવા ને જોડતો 100 ફૂટ રોડ તૈયાર થયા બાદ આ રોડ પર ચાલી રહેલ સ્કીમોમાં અસામાન્ય ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2023માં આ રોડ પર અંદાજે 180 થી 200 ચો.વારના જે ફ્લેટ રૂ.40 લાખ આસપાસ વેચાણ થતા હતા તે જ ફ્લેટના ભાવમાં 100 ફિટ રોડ બન્યા બાદ બિલ્ડરો ઘ્વારા રૂ.5 થી 10 લાખનો વધારો કરવામાં આવ્યો છે.  આ રોડ પર બાંધકામ સાથેનો ભાવ પ્રતિ પ્રતિ ચો. વાર 18000 હતો તેમ સીધો જ રૂ.5 થી 7 હજારનો વધારો કરી વાર દીઠ 23 થી 25 હજારના ભાવે ફ્લેટ વેચાણ કરવામાં આવ્યા હતા.

કેટલાક બિલ્ડર જાણે સોનુ વેચી રહ્યા હોય તેમ રોડનો કટ બંધ થયો હોવા છતાં 200 વાર ના ફ્લેટ માટે હજી પણ ભ્રામક વચનો આપી 55 થી 57 લાખ ના ભાવ વસુલ કરી રહ્યા છે. જેનો વાર દીઠ ભાવ 28 હજાર થાય છે જયારે જે લોકો પરિસ્થિતિને સમજી ચુક્યા છે તે લોકોએ ભાવમાં  જરૂર ઘટાડો કર્યો છે પરંતુ પરિસ્થિતિ અને વિસ્તાર મુજબ ઘટાડો કર્યો નથી.

આ વિસ્તાર ના પ્રોપર્ટી નિષ્ણાતો નું માની એ તો ચો. વાર કે મીટર દીઠ 20 થી 22 હજાર નો ભાવ યોગ્ય છે જેમાં દસ્તાવેજ સહિત ના તમામ ખર્ચ આવી જાય છે. પરંતુ આ વિસ્તાર ની બિલ્ડર લોબી અને  તત્કાલીન ડે. કમિશનર દિપક ત્રિવેદી વચ્ચે મજબૂત સાંઠગાંઠ હતી. જેના કારણે તત્કાલીન ડે. કમિશનરે જ્યાં નાગરિકો રહે છે તે વિસ્તારમાં રોડ-રસ્તા ના કામો કરવાના બદલે જ્યાં નવી સ્કીમો ચાલી રહી હતી તે વિસ્તારમાં રોડ-રસ્તા તૈયાર કર્યા હતા.

જેના કારણે બિલ્ડરલોબીને ને તો ફાયદો થયો છે પરંતુ 100 ફૂટ રોડ પર મિલ્કતો ખરીદનાર લોકો ને ઊંચા ભાવ આપવા પડયા છે. પરંતુ કર્મ નું ચક્ર કોઈને પણ છોડતું નથી તે બાબત અહીં સાચી સાબિત થઈ છે.નેશનલ હાઇવે ઓથોરીટી ઘ્વારા 100 ફિટ રોડને હાઇવે સાથે જોડતો પૂજા ફાર્મ પાસે નો એકમાત્ર કટ બંધ કરતા જ બિલ્ડરોના પગ તળિયેથી જમીન ખસવા લાગી છે અને બાકી રહેલા ફ્લેટ-દુકાનો વેચવા ભારે ડિસ્કાઉન્ટ આપી રહયા છે.

પૂજા ફાર્મ (લાંભા ભમ્મરિયા) થી વટવા કેનાલ સુધી તત્કાલીન ડે. કમિશનર ઘ્વારા તૈયાર કરવામાં આવેલા રોડ પરથી મુખ્ય માર્ગ પર જવા માટે પૂજા ફાર્મ પાસે એક મોટો કટ આપવામાં આવ્યો હતો પરંતુ અહીં ટ્રાફિક જામ ની સમસ્યા ગંભીર બની હતી.

તેમજ રોંગ સાઈડમાં આવતા વાહનોને કારણે જીવલેણ અકસ્માત પણ થતા હતા તેથી આ કટ ને નેશનલ હાઇવે ઓથોરિટી ઘ્વારા લગભગ દોઢ મહિના પહેલા બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે અહીં રહેતા લોકોને નારોલ, ઇસનપુર, મણિનગર કે તરફના અન્ય કોઇપણ વિસ્તારમાં જવું હોય તો એક કિલોમીટર સુધી સર્વિસ રોડ પર જવું પડે છે જ્યાં ભગીરથ આઇકોન સ્કીમ પાસે નાનું ગરનાળુ છે.

જે ક્રોસ કર્યા બાદ ફરીથી નારોલ તરફના સર્વિસ રોડ પર જવાનું રહે છે. આમ, અંદાજે ત્રણ કિલોમીટર સર્વિસ રોડ પર વાહન ચલાવી નારોલ સર્કલ સુધી જવાય છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે પૂજા ફાર્મ પાસેનો કટ બંધ થતાં તમામ ટ્રાફિક ગરનાળા તરફ ડાયવર્ટ થયો છે જેના કારણે અહીં પણ કાયમી ચક્કાજામ રહે છે અને ગરનાળાને ક્રોસ કરવામાં જ 20 થી 25 મિનિટ નો સમય લાગે છે.

વરસાદ પડે તે સમયે અહીં પાણીનો ભરાવો થાય છે જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી જાય છે. હવે, અસલાલી સર્કલ તરફથી આવતા વાહનચાલકો ને 100 ફૂટ રોડ પર જવું હોય તો અસલાલી થી નારોલ સર્કલ અંદાજે 4 કિલોમીટર નો ચકરાવો લેવાનો રહે છે અથવા લાંભા ભમ્મરિયા કુવા થી એક કિલોમીટર સર્વિસ રોડ પર ગયા બાદ ગરનાળા ને ક્રોસ કરી ભગીરથ આઇકોન તરફ જવું પડે છે જ્યાં પણ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે.

મ્યુનિસિપલ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી બિલ્ડરો 100 ફૂટ રોડ બનાવવામાં તો સફળ રહયા છે પરંતુ બંધ કરવામાં આવેલો કટ ખોલાવી શક્યા નથી કારણ કે અહીં હાઇવે ઓથોરિટી છે જે નાગરિકો ની સલામતી ને પ્રાધાન્ય આપે છે. અહીંના બિલ્ડરો એ કટ ખોલાવવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા હતા જેમાં નિષ્ફળતા મળ્યા બાદ બાકી રહેલો માલ વેચવા માટે વિવિધ આકર્ષક સ્કીમો જાહેર કરવામાં આવી છે.

જેમાં રૂ.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, ફ્રી ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય બાબત એ છે કે કેટલાક બિલ્ડરો તેમનો માલ વેચાણ કરવા હજી પણ ખરીદનાર વર્ગ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 100 ફૂટ રોડ બંધ થયો તો કોઈ વાંધો નહિ ટૂંક સમયમાં જ ઇસનપુર મોની હોટલ થી 100 ફૂટ રોડ ને જોડતો નવો રસ્તો બને છે તેવી ભ્રામક જાહેરાત કરી રહયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન ના સૂત્રો એ જણાવ્યા મુજબ  જો આ રોડ બનાવવો હોય તો ચાર ટીપી ને જોડવી પડે પરંતુ અહીં કોઈપણ ટીપીના એલાઈમેન્ટ મળતા નથી તેથી નજીકના ભવિષ્યમાં આવો કોઈ રોડ બની શકે તેમ નથી. જો કે, અહીંના બિલ્ડરો ને 100 ફૂટ રોડ નો કટ બંધ થવાથી કોઈ નુકસાન થયું નથી કારણકે તેઓ ભૂતકાળમાં ભાવ વધારો કરીને કમાઈ ચુક્યા છે જો કોઈને નુકશાન થયું હોય તો આ રોડ પર મિલ્કતો ખરીદી કરનાર ને જ થયુ છે તે બાબત નિર્વિવાદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.