અમદાવાદથી ગાંધીનગર વચ્ચે 16 સપ્ટેમ્બરથી મેટ્રો દોડશે?
મોટેરાથી મહાત્મા મંદિર સુધી ૧૬ સપ્ટેમ્બર પછી મેટ્રો દોડશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી ગાંધીનગર વચ્ચે અપડાઉન કરનારા માટે રાહતના સમાચાર છે. આમ અમદાવાદ હવે ચાલુ મહિનામાં જ ગાંધીનગર સાથે મેટ્રો રુટે જોડાઈ જશે.
અમદાવાદમાં મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે ચાલુ મહિનાના ત્રીજા સપ્તાહથી મેટ્રો દોડતી થઈ જશે તેમ મનાય છે. વડાપ્રધાન પીએમ મોદી ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત આવવાના છે ત્યારે તેમના જ હાથે આ ઉદઘાટન કરવામાં આવે તેવી સંભાવના છે. મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. આગામી ૧૬-૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ આ રૂટનું ઉદ્ઘાટન કરશે તેમ મનાય છે.
ગત મહિનાના પ્રથમ સપ્તાહમાં જ કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા આ રૂટનું ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. ૧૫ ઓગસ્ટની આસપાસ જ આ રૂટનો પ્રારંભ થઇ શકે તેવી સંભાવના હતી. પરંતુ હવે વડાપ્રધાનના હસ્તે આ રૂટનું ઉદ્દઘાટન થશે. અલબત્ત, આ અંગે ય્સ્ઇઝ્ર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો ટ્રેનની કામગીરી હજુ જારી છે અને તે રૂટ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના હાલ નહિવત્ છે.
મોટેરાથી મહાત્મા મંદિર સુધીના રૂટમાં આવનારા સ્ટેશનોમાં જોઈએ તો કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂનું કોબા, કોબા ગામ, જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-૧, સેક્ટર ૧૦-એ, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-૧૬, સેક્ટર-૨૪, મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.
હાલમાં અમદાવાદ મેટ્રોની દૈનિક રાઇડરશિપ એક લાખને વટાવી ગઈ છે અને હવે ગાંધીનગર સાથે જોડાતાં દૈનિક રાઇડરશિપ સરળતાથી દોઢ લાખને વટાવી જાય તો આશ્ચર્ય નહીં થાય.