Western Times News

Gujarati News

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવી

(પ્રતિનિધિ) મોડાસા, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સપ્તસુત્રી આંદોલન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ હેતુ આવી રહેલ ગણેશોત્સવમાં મોડાસાના બાળકોએ માટીના બનાવેલ ગણેશ સ્થાપનાનો સંદેશ આપ્યો.

ગણેશોત્સવનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે. ત્યારે પર્યાવરણને નુકસાન ના થાય તેવી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના માટે જાગરુકતા વધારવી જરુરી છે. ગાયત્રી પરિવાર મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનની ટીમ બાળકોમાં કૌશલ્ય વિકાસ માટે દર રવિવારે શિબિર ચલાવે છે.

ગણેશોત્સવ નજીક આવી રહેલ હોઈ રવિવારે આ ટીમના પ્રશિક્ષકોએ બાળકોને શુદ્ધ માટીમાંથી સ્વહસ્તે ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કૌશલ્ય શીખવ્યું. ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ મૂર્તિઓના નિર્માણ માટે અનેક બાળકો જોડાયા. દરેક બાળકે ખૂબ ઉત્સાહભેર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી. જે આવી રહેલ ગણેશોત્સવ દરમ્યાન પોતાના ઘરે આ શુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરશે. સાથે સાથે પીઓપી ની મૂર્તિઓથી પાણી દુષિત થતું અટકાવવા અને પર્યાવરણ બચાવવા સંદેશ માટે આ આયોજન કરવામાં આવ્યું.

કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનના અરવલ્લી જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલના માર્ગદર્શનમાં આ આયોજન કરાયું.આ અભિયાનના પંકજભાઈ પ્રજાપતિ, હેમંતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, કિરણબેન ભાવસાર, મધુબેન પ્રજાપતિ વિગેરે પ્રશિક્ષકોએ બાળકોને શીખવાડવા જહેમત ઉઠાવી.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાન્તિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષ ગંગા અભિયાનઃવૃક્ષારોપણ રોપણ, વૃક્ષ જતન, સ્વચ્છતા , જલ સંરક્ષણ ,પ્રાકૃતિક ખેતી દ્વારા ભૂમિ સંરક્ષણ, યજ્ઞ વિજ્ઞાન દ્વારા વાયુ શુદ્ધિકરણઃ પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક રચનાત્મક આંદોલન ચલાવાઈ રહેલ છે.

જેના ભાગ રુપે ગણેશોત્સવ દરમિયાન પીઓપી ની મૂર્તિઓથી પર્યાવરણ પ્રદૂષણ મુક્તિ હેતુ વિશેષ સંદેશ આપવા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ માટીની મૂર્તિઓ બનાવવા આયોજન કરવામાં આવ્યું. મૂર્તિ વિસર્જન કરવાની સાથે એ જ માટીમાં તરુરોપણ કરવાનો સંદેશ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ આપ્યો છે. જેથી તેરા તુજકો અર્પણનો ભાવ જાગૃત થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.