બિસ્માર માર્ગોના મુદ્દે સંબંધિત અધિકારીઓ વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ
ઝઘડિયાના વકીલ તેમજ અંકલેશ્વરનાં નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા અધિકારીઓને કોર્ટમાં લઈ જવાતા ચકચાર
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના મહત્વના ધોરીમાર્ગ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા હવેતો રોડ ની જગ્યાએ ખેતર ઉભુ હોય એવું દ્રશ્ય દેખાય છે,વારંવાર જાગૃત નાગરિકો દ્વારા રજુઆતો કરવા છતાં માર્ગ સુધરવાને બદલે દિવસે દિવસે બદતર હાલતમાં મુકાઈ રહ્યો હોય માર્ગ પરથી વાહન લઇને જવું તો બાજુ પર રહ્યું પણ ચાલતા જવામાં પણ વિચાર કરવો પડે એવી સ્થિતિ સર્જાઇ છે.
ત્યારે બિસ્માર બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ ઉપરાંત ઝઘડિયા તાલુકાના અન્ય ખખડધજ રસ્તાઓના મામલે ઝઘડિયાના જાણીતા એડવોકેટ દક્ષેશભાઈ રાંદેરિયા તથા અંકલેશ્વરના નિવૃત્ત ન્યાયાધીશ સજ્જાદભાઈ કાદરીએ ઝઘડિયા કોર્ટમાં સેક્રેટરી શ્રી, ચીફ એન્જિનિયર, સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર, એક્ઝિક્યુટ એન્જિનિયર,આર એન બીના અધિકારીઓ ઉપરાંત તાલુકા જિલ્લાના અન્ય અધિકારીઓ વિરૂધ્ધ ઝઘડિયા કોર્ટમાં રી પ્રિન્ટેટીવ ક્યુટ દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાઓ જેવા કે રાજપારડી,ઉમલ્લા,નેત્રંગ, વાલીયા, ઝઘડિયા તેમજ ગુમાનદેવથી નાનાસાંજા થઈ મુલદ હાઈવે સુધીના તમામ રોડ તૂટીને ખલાસ થઈ ગયેલ હોવા ઉપરાંત મોટામોટા ખાડાઓ પડતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.છતાં સત્તામાં બેઠેલા જાડી ચામડીના જવાબદાર અધિકારીઓ તેમની જવાબદારી સમજવા તૈયાર નથી,
તેથી અંકલેશ્વરના નિવૃત્ત ન્યાયાધીશ સજ્જાદભાઈ કાદરીએ આ બાબતે નોટિસ આપેલ હોવા છતાં એનો કોઈ અમલ નહિ થતાં તેમના દ્વારા ભરૂચ જીલ્લાની વિવિધ અદાલતોમાં જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ પગલાં લેવા માટે એક મુહીમ ચલાવવામાં આવી રહેલ છે.જેના ભાગરૂપે તેમણે ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ અને જાણીતા એડવોકેટ દક્ષેશભાઈ રાંદેરિયાનો સંપર્ક કરી
આ બાબતે દાવો દાખલ કરવાનો હોવાનું જણાવતા તેમણે આજુબાજુના ગામોના કુલ ૧૦ જેટલા ઈસમો મારફતે ઝઘડિયાના નામદાર સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ.પટેલની કોર્ટમાં દાવો દાખલ કરતા નામદાર કોર્ટે ઉપરોક્ત જણાવેલ જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ તાત્કાલિક નોટિસ કાઢતા સરકારી બાબુઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.