Western Times News

Gujarati News

ગત ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ જિલ્લામાં સરેરાશ ૬ ઇંચથી વધુ વરસાદ;  જ્યારે તાપી જિલ્લામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જ્યારે, તાપીના સોનગઢમાં ૧૦ ઇંચ અને વ્યારા તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર તાપી જિલ્લામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

તાલુકાની વાત કરીએ તો, સુરતના માંગરોળ, ડાંગના વઘઇ, નર્મદાના તિલકવાડા, તાપીના ઉચ્છલ અને ભરૂચ તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, તાપીના ડોલવણ, ડાંગના સુબિર, ખેડાના નડિયાદ અને નવસારીના વાંસદા તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે, મહીસાગરના લુણાવાડા અને ખેડાના કપડવંજ તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ અને ગોધરા, વડોદરાના કરજણ, સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વર, ડાંગના આહવા, તાપીના વાલોડ, ખેડાના કઠલાલ, મહીસાગરના વિરપુર, અરવલ્લીના બાયડ ઉપરાંત મહેસાણા તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સાથે જ, રાજ્યના આશરે ૨૨ તાલુકામાં ૩ ઇંચથી વધુ, ૩૯ તાલુકામાં ૨ ઇંચથી વધુ, ૪૫ તાલુકામાં ૧ ઇંચથી વધુ તેમજ ૪૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ ૧૮૩ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૭૯ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૫ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૭ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૩ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૯૫ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.