શિક્ષણ બોર્ડની નવ બેઠક માટે ત્રણ ડઝનથી વધુ દાવેદારોને પગલે ચૂંટણીનો માહોલ જામ્યો
(એજન્સી) અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યમીક શિક્ષણ બોર્ડની નવ બેઠકની આગામી તા.૨૪ સપ્ટેમ્બરના યોજાનારી ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ફરવાના અંતિમ દિવસે ગાંધીનગરમાં મુરતીયાઓનો જમાવડો થવા પામેલ છે. બપોર સુધીમાં નવ બેઠકો પર ૩ ડઝનથી વધુ દાવેદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજુ કરી દાવેદારી નોંધાવતા આ ચૂંટણીનો માહોલ ગરમાયો છે.
જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા વાલી સંવર્ગની બેઠક પર ગત શનિવારના સુરતના આનંદભાઇ જીંજાળાએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા બાદ આજે ગાંધીનગર ખાતે શાળા સંચાલક સંવર્ગની બેઠક પર રાજકોટના મેહુલભાઇ પરડવા અને સુરતના ડો. દિપકભાઇ રાજ્યગુરૂએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કરી દાવેદારી નોંધાવી હતી.
જ્યારે વાલી સંવર્ગમાંથી અમદાવાદથી હાર્દિકભાઇ કાર્તિકભાઇ પટેલે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું. સંચાલક સંવર્ગની બેઠક પર રાજકોટના મેહુલભાઇ પરડવાએ ઉમેદવારી ફોર્મ રજુ કરતાં તેમના ટેકામાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ ડી.વી. મહેતા, મહામંત્રી મેહુલભાઇ પરડવા, જયદિપભાઇ જલુ, સંદિપભાઇ છોટાળા, વિપુલભાઇ પાનેલીયા,
રામભાઇ ગરૈયા, રાણાભાઇ ગોજીયા, વિનુભાઇ લોખીલ, પ્રવિણભાઇ ગોંડલીયા, રાજ ઉપાધ્યાય, જીતુભાઇ મકવાણા, વિશાલ હિરાણી, હાર્દિકભાઇ પટેલ, યોગેશભાઇ ઘેટીયા, દિલીપભાઇ બારૈયા, મહેશભાઇ ઠક્કર સહિતના હોદેદારો ઉમટી પડ્યા હતા.
શિક્ષણ બોર્ડની ચૂંટણી અંગે તાજેતરમાં ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા અને ઉ.પ્રમુખ જતીનભાઇ ભરાડની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જેમાં ચર્ચા-વિચારણા કરી મુરતીયાઓના નામ ફાઇનલ કરવામાં આવેલ હતા
જે મુજબ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ ચૂંટણીમાં મુરતીયાઓને મેદાનમાં ઉતારાતા આ ચૂંટણીમાં હવે રસાક્સીભર્યો ચૂંટણી જંગ ખેલાનાર છે. જ્યારે બીએડ કોલેજના પ્રિન્સીપાલની બેઠક પર ડો. નિદીત બારોટે પણ આજે શિક્ષણ બોર્ડના ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કરી દાવેદારી નોંધાવી છે.
આ ઉપરાંત સંચાલક મંડળની બેઠક ઉપર જુના જોગી ડો. પ્રિયવદન કોરાટે ગત શનિવારે પોતાનું ફોર્મ રજુ કરી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી શિક્ષણ બોર્ડની આ ચૂંટણીમાં ડો. પ્રિયવદન કોરાટ (જેતપુર),
મેહુલભાઇ પરડવા (રાજકોટ), ડો. નિદીત બારોટ (રાજકોટ), નિલેશ સોનારા-જૂનાગઢ, વિજય ખટાણા અને અશોક રામ એમ પાંચ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા છે. આ ચૂંટણીમાં ત્રણ ડઝનથી વધુ ઉમેદવારોએ નવ બેઠક ઉપર બપોર સુધીમાં ઉમેદવારી નોંધાવી દેતા શિક્ષણ બોર્ડની આ ચૂંટણીમાં આરપારની લડાઇ થશે.