દેશની કોઈ પણ બેન્કમાંથી મળશે પેન્શન-પહેલી જાન્યુઆરીથી આ નિર્ણયનો અમલ
શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી: ૭૮ લાખ જેટલાં EPS પેન્શન ધારકોને ફાયદો
(એજન્સી)નવી દિલ્હી, એમ્પલોઇ પેન્શન સ્કીમ હેઠળ પેન્શન મેળવનાર લોકો માટે મહત્ત્વના સમાચાર છે. ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ઈપીએસ પેન્શનરો દેશના કોઈપણ ખૂણેથી, કોઈપણ બેન્કની, કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ નિર્ણયથી ૭૮ લાખ જેટલાં ઈપીએસ પેન્શન ધારકોને ફાયદો થશે.
શ્રમ અને રોજગાર મંત્રી અને સેન્ટ્રલ બોર્ડ આૅફ ટ્રસ્ટીઝ, ઈપીએફ ના ચેરપર્સન મનસુખ માંડવિયાએ એમ્પલોઈ પેન્શન સ્કીમ ૧૯૯૫ માટે સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન સિસ્ટમના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ તૈયાર થવાથી ભારતના કોઈપણ ખૂણેથી, કોઈપણ બેન્કની, કોઈપણ બ્રાન્ચમાંથી પેન્શનર્સને પેન્શન આપી શકાશે. સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમથી ઈપીએફઓ ના ૭૮ લાખ ઈપીએસ પેન્શનર્સને લાભ થશે.
ઈપીએસના આ નિર્ણય પર શ્રમ અને રોજગાર મંત્રીએ કહ્યું, સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો નિર્ણય ઈપીએફઓના આધુનિકરણમાં મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવા જઈ રહ્યો છે. દેશમાં ગમે ત્યાં, કોઈપણ બેન્કની, કોઈપણ બ્રાન્ચથી પેન્શનર્સને પેન્શન મળવાથી લાંબા સમયથી પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળશે.
સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા દેશમાં પેન્શન વિતરણમાં મદદ મળશે અને તેના માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરને ટ્રાન્સફર કરવાની પણ જરૂર નહીં પડે.
પહેલાં પેન્શનર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, બેન્ક અથવા શાખા બદલાવવા માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર રજૂ કરવો પડતો હતો. જે પેન્શનર્સ નિવૃત્તિ બાદ પોતાના હોમટાઉન જતા રહે છે, તેમને આ નિર્ણયથી મોટી રાહત મળશે. આગળના ફેઝમાં સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમને આધાર બેઝ્ડ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવશે.