Western Times News

Gujarati News

ફુડ કોર્ટ, થીમ પેવેલિયન અને ક્રાફ્ટ બજારને ખુલ્લું મુકતાં પ્રવાસન મંત્રી

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત ૩૧માં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ- ૨૦૨૦ની પૂર્વ સંધ્યાએ રાજ્ય પ્રવાસન મંત્રી શ્રી જવાહર ચાવડાએ પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિરની વિશેષ ઉપસ્થિતિમાં ફૂડ કોર્ટ, હસ્તકલા બજાર, થીમ પવેલિયન અને ક્રાફ્ટ બજારને ખુલ્લું મુક્યું હતું.

મંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-ર૦૨૦ની પૂર્વ સંધ્યાએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પતંગોત્સવ એ માત્ર લોકોના આનંદ પ્રમોદ માટે નહિં પરંતુ ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે પણ અગત્યનું માધ્યમ બની રહ્યો છે. આ ઉપરાંત પતંગને લીધે મોટા પ્રમાણમાં રોજગારી પણ ઉપલબ્ધ બને છે.  તેમણે કહ્યું કે, આવતી કાલે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં પતંગોત્સવને ખુલ્લો મુકવામાં આવશે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું કે, આ પતંગોત્સવ અમદાવાદ ઉપરાંત ધોરડો, કેવડિયા, સુરત અને વડોદરા સહિત રાજ્યના ૯ સ્થળો પર આયોજીત કરવામાં આવ્યો છે.  તેમણે પતંગોત્સવની આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, ૪૩ દેશોના ૧૪૩ પતંગબાજો અને દેશના ૧૨ રાજ્યના ૧૯૦ પતંગબાજો ભાગ લેવાના છે. ૧૮ દેશના હાઇ કમિશ્નરશ્રી પણ આ અવસરે ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પતંગોત્સવમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો દરરોજ રાત્રે ૮ થી ૧૦ કલાક સુધી યોજવામાં આવશે. જેમા પરંપરાગત નૃત્ય પ્રદર્શન, મ્યુઝિકલ મસ્તી જેવા અનેક કાર્યક્રમો શહેરીજનો માણી શકશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૭ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે ગુજરાત પ્રવાસન નિગમના સચિવ શ્રી મમતા વર્મા અને એમ.ડી. શ્રી જેનુ દેવન તથા દેશ-વિદેશથી પધારેલા પતંગબાજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.