રશિયા-યુક્રેન યુધ્ધ રોકવા શાંતિ સમિટ ભારતમાં યોજાય તેવો સંકેતઃ યુદ્ધ રોકવા પુતિન તૈયાર
મોસ્કો, રશિયા અને તેના પાડોશી દેશ યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હવે નિર્ણાયક સમય આવી ગયો છએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ રશિયાના અને યુક્રેનના પ્રવાસે ગયા હતા. વિશ્વમાં એકમાત્ર નરેન્દ્ર મોદી બંનેનેતાઓ વચ્ચે સમાધાન કરાવી શકે તે સક્ષમ નેતા છે. અને બધાંની નજર તેમના ઉપર જ હતી.
આખરે બંને નેતાઓને મળ્યા બાદ રશિયાના પ્રમુખ પુતિને આજે યુદ્ધ અટકાવવા માટેનો સંકેત આપી દીધો છે. જો કે, આ સમગ્ર પ્રક્રિયામાં ભારત, ચીન અને બ્રાઝિલના વડાપ્રધાનો મધ્યસ્થી કરશે. મહત્ત્વપૂર્ણ બાબત એ છેકે, આ સમગ્ર પ્રક્રિયા માટે યોજાનાર શાંતિ સમિટ ભારતમાં યોજાઈ શકે છે.
જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ અને અન્ય દેશોના રાજકીય નેતાઓ સાથેના સંબંધોની નીતિ મજબૂત પાયો છે. ટૂંક સમયમાં જ આ શાંતિ પ્રક્રિયા શરૂ થઈ જાય તેવું મનાઈ રહ્યું છે. આ સમગ્ર શાંતિ પ્રક્રિયા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. જેનો પરિણામ તેમનું વૈશ્વિક કદ વધ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથે યુદ્ધમાં સમાધાન અંગે વાતચીત કરવા તૈયાર છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, પુતિને કહ્યું હતું કે ભારત, ચીન અથવા બ્રાઝિલ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી શકે છે.
રશિયાના શહેર વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં વાતચીત દરમિયાન પુતિને કહ્યું હતું કે ૨૦૨૨માં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ઈસ્તાંબુલે બંને દેશો વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે એ શરતો ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી. હવે નવેસરથી મંત્રણા શરૂ કરવા માટે અગાઉના પ્રયાસોનો આધાર બનાવી શકાય છે.
પુતિનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે મોદી લગભગ બે મહિના પહેલાં ૮ જુલાઈના રોજ રશિયાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે પુતિન સાથે યુદ્ધ રોકવાની ચર્ચા કરી. એના થોડા સમય બાદ પીએમ મોદી પણ ૨૩ ઓગસ્ટના રોજ યુક્રેનની પ્રથમ મુલાકાતે ગયા હતા. પીએમ મોદી જુલાઈ મહિનામાં રશિયાના પ્રવાસે ગયા હતા. તેમની આ મુલાકાત નાટો સમિટ વચ્ચે થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીના રાષ્ટ્રપતિ પુતિનને ગળે લગાવતી તસવીરોની ખૂબ ચર્ચા થઈ હતી.
આ દરમિયાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનથી નથી નીકળતો. આ દરમિયાન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે ‘ભારત હંમેશાં શાંતિના પક્ષમાં રહ્યું છે. હું થોડા દિવસો પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો. પછી મેં મીડિયાની સામે કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી.
અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુદ્ધની શરૂઆતના એક મહિના પછી રશિયા અને યુક્રેન વચ્ચે તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં અનેક રાઉન્ડની વાટાઘાટો યોજાઈ હતી. એનો હેતુ યુદ્ધને રોકવાનો હતો. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ રોકવા માટે બે શરત રાખી હતી. તેમણે કહ્યું હતું કે યુક્રેનને ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝપોરિઝિયામાંથી તેના સૈનિકો પાછા બોલાવવા પડશે. આ સિવાય યુક્રેન ક્યારેય નાટોમાં જોડાશે નહીં.
જોકે યુક્રેને આ શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયાને અઢી વર્ષ થયાં. આ દરમિયાન યુક્રેનના અત્યારસુધીમાં ૧૦ હજાર નાગરિકનાં મોત થયાં છે, જ્યારે ૧૮,૫૦૦ લોકો ઘાયલ થયા છે. યુક્રેનનો દાવો છે કે રશિયાએ ૩.૯૨ લાખ સૈનિક ગુમાવ્યા છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાની ૫૦૦ કંપની પર પ્રતિબંધો લગાવ્યા હતા.
રશિયા-યુક્રેન યુદ્ધમાં ૬ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ પ્રથમ વખત થયું જ્યારે યુક્રેન રશિયામાં ઘૂસીને તેના કુર્સ્ક વિસ્તાર પર કબજો કર્યો. ત્યારથી યુક્રેન સતત રશિયા પર હુમલા કરી રહ્યું છે. ઇ્ રિપોર્ટ અનુસાર, ૨૦ દિવસમાં યુક્રેનિયન હુમલામાં ૩૧ રશિયન નાગરિકે જીવ ગુમાવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર બન્યું છે,
જ્યારે રશિયન ભૂમિ પર વિદેશી તાકાતનો કબજો થયો છે. યુક્રેને બે અઠવાડિયાંમાં રશિયાનો ૧૨૬૩ ચોરસ કિલોમીટર વિસ્તાર કબજે કર્યો હતો. યુક્રેનનો દાવો છે કે ૨૦૨૪ના ૮ મહિનામાં રશિયાએ જે જમીન કબજે કરી છે એના કરતાં યુક્રેને ૨ અઠવાડિયાંમાં વધુ જમીન કબજે કરી લીધી છે.